પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
વીરક્ષેત્રની સુન્દરી-૨

છે; અને તેટલા માટે હવે અંતકાળ પર્યન્ત આપના સમાગમનો સ્વતંત્ર અને યથેચ્છ આનંદ ભોગવવા વિશેનો મારો દૃઢ નિશ્ચય થઇ ગયો છે. હું જ્યારે મારા સર્વસ્વને ત્યાગવાને તૈયાર છું, તો તમારે હવે આવી નપુંસકતા બતાવવી ન જોઇએ. તમારી આ ચેષ્ટા પુરૂષોચિત નથી.”

આવી રીતે તેણે અત્યંત આગ્રહ કર્યા છતાં જ્યારે મેં તેની ઇચ્છાનો સર્વ પ્રકારે અસ્વીકાર કર્યો એટલે તે ડૂસ્કાં ભરી ભરીને રડવા લાગી. મને પણ દયા આવી ગઇ અને તેથી તેને શાંત પાડવામાં આખી રાત વીતાડી દીધી. પ્રભાતમાં પોતાને ઘેર જતી વેળાએ તે કહેવા લાગી કે;-“ડૉકટર સાહેબ ! તમે મને જેવો દગો દીધો છે, તેવો દગો તમને ઇશ્વર આપશે ! એ વિશે તમારે નિશ્ચય રાખવો. હવે આપણો મેળાપ થવો અશક્ય છે. આજે બે દિવસથી મારો પતિ બીજે ગામ ગયો છે તેથી અહીં પણ અવાયું અને ન્હાસી જવાનો હજી સારો લાગ છે, કારણ કે, તે આવતી કાલે આવવાનો છે. આવો પ્રસંગ ફરી ફરીને મળી શકવાનો નથી. માટે આજ રાત્રે મારે ઘેર આવીને મને પોતાના અંતિમ સમાગમસુખનો લાભ આપી જશો, તો મોટો ઉપકાર થશે.”

અનંગભદ્રા ! ત્યાર પછી સંધ્યાકાળે હું તેની ઇચ્છા પ્રમાણે તેને ઘેર ગયો અને તેણે મારો નિત્ય કરતાં પણ ઘણો જ સારો સત્કાર કર્યો. ત્યાર પછી તે તુલસી, ગંગાજળ અને ચોખા આદિ વસ્તુઓ મારી આગળ લાવીને કહેવા લાગી કે;-“ડોકટર સાહેબ ! હવે જરાક સૂક્ષ્મ વિચાર કરીને કહો કે, તમે મારે અંગીકાર કરો છો કે નહિ!”

“મારો આ પ્રમાણે કરવાને જરા પણ વિચાર થતો નથી; અને તમને પણ એ પ્રમાણે ન કરવાનો જ મારો આગ્રહપૂર્વક ઉપદેશ છે.” મેં મારા પૂર્વના અભિપ્રાયને જ પુનઃ વ્યક્ત કરી બતાવ્યો.

મારા મુખમાંથી આ શબ્દો નીકળતાં જ ક્રોધથી તે કંપવા લાગી અને મને હાથ ઝાલીને પોતાના અંતગૃહમાં લઇ જઇ દાસીને બહાર કાઢીને તેણે બારણાં અંદરથી વાસી દીધાં. ત્યાર પછી પોતાના હાથમાં એક તીક્ષ્ણ છૂરી લઈને તે પોતાનું ગળું કાપવાને તૈયાર થઇ