પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રતિનાથની રંગભૂમિ

તેમનો ભાવાર્થ એવો છે કે; “સ્ત્રીઓનાં ચરિત્ર અને પુરુષના ભાગ્યને દેવ પણ નથી જાણતો, તો પછી મનુષ્ય તે ક્યાંથી જ જાણી શકે ?” અને “સ્ત્રીનો આહાર (પુરુષ કરતાં) બમણો હોય છે, સ્ત્રીમાં લજ્જા પુરુષ કરતાં ચાર ગણી વિશેષ હોય છે, તેનું સાહસ છ ગણું વધારે છે અને સ્ત્રીનો કામવિકાર પુરુષ કરતાં આઠ ગણો વધારે હોય છે.”*[૧] તે જ પ્રમાણે જગતના આજ સુધીના ઇતિહાસથી એ પણ હવે નિર્વિવાદ સિદ્ધ થઈ ચૂક્યું છે કે, ધર્મભાવનાનો અંશ પણ સ્ત્રીઓમાં પુરુષો કરતાં બહુ જ વિશેષ રહેલો છે અને એને આપણા ગૃહસંસારમાં આપણને નિત્ય પ્રત્યક્ષ પરિચય પણ મળ્યા કરે છે, એટલે એ વિશે વિશેષ વિવેચનની આવશ્યકતા નથી. મથિતાર્થ એટલે જ કે, સ્ત્રી ચરિત્ર શબ્દમાં લજજા, સાહસ, કામવિકાર તેમજ ધર્મભાવના આદિ સર્વ વિષયોનો સમાવેશ થાય છે, અને તેટલા માટે જેમ કેટલીક સ્ત્રીઓના ચરિત્રમાં કામવાસના કિંવા વ્યભિચાર અગ્રતા ભોગવે છે તે જ પ્રમાણે કેટલીક સતી સ્ત્રીઓનાં ચરિત્રામાં ધર્મભાવના અને તદન્ત્‌ર્ગત શૈાર્યભાવના જ અગ્રભાગે વિરાજેલી દેખાય છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ કેવળ વ્યભિચારિણી વનિતાઓનાં વિકારમય ચરિત્રો જ કથાયલાં નથી, કિંતુ કેટલીક સદ્ધર્મચારિણી અને સતી સુંદરીઓનાં ચાતુર્યમય ચરિત્રનો પણ તેટલા જ પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં પણ વળી દુષ્ટ માર્ગમાં પ્રવૃત્ત થએલાં સ્ત્રી પુરુષનાં જીવન અંતે કેવાં દુ:ખમય એને તિરસ્કારપાત્ર થઈ જાય છે તથા સચ્ચરિત્રશીલ સ્ત્રીપુરૂષો અંતે કેવી રીતે અગાધ આનંદસુખના ભોક્તા થાય છે, એ પણ સ્પષ્ટતાથી બતાવવામાં આવેલું હોવાથી વાચકોને પ્રત્યેક કથામાંથી અવશ્ય ઉત્તમ બોધની પ્રાપ્તિ થઈ શકે છે, એમાં લેશમાત્ર પણ સંશય નથી, છતાં કોઈ જે કેવળ ઉલટા અર્થને જ બાઝી પડે અને દુષ્ટ થવાની ચેષ્ટા કરે, તો તે તેની પોતાની જ કુપાત્રતા અને અધમતાનું પરિણામ છે; એ માટે કથા અથવા કથાકાર લેશ માત્ર પણ ઉત્તરદાતા નથી.


  1. * આ માપ પ્રાચીનોએ શી રીતે કાઢ્યું હશે, તે જાણવું મુશ્કેલ છે.