પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
રતિનાથની રંગભૂમિ

ગઇ. તેની આ વિલક્ષણ ચેષ્ટાને જોઇને હું તો ગર્ભગળિત જ થઇ ગયો; અને બીજા કોઇને મદદે બોલાવવાનો વિચાર કરવા લાગ્યો, પણ હું કેવી અવસ્થામાં હતો એનું ભાન થતાં તે વિચારને માંડી વાળ્યો. કારણ કે, જો તે જ માણસો મને આમ પારકા ઘરના એકાંત ભાગમાં ઘુસેલો જોઇને મારવા મંડી જાય તો ? આવા ભયથી લાચારીએ મેં જ હિંમત લાવીને તેના હાથમાંથી છરી છીનવી લીધી અને તેને શાંત થવા માટે હું અનેક પ્રકારની વિનંતિ કરવા લાગ્યો પરંતુ એથી શાંત થવાને બદલે વિશેષ આક્રોશ કરીને વધારે અને વધારે મોટે સાદે બોલવા મંડી ગઇ. મારા શરીરમાં કંપ થવા લાગ્યો અને મારી બુદ્ધિ બહેર મારી ગઇ. ત્યાંથી છૂટવાનો બીજો કાંઇ પણ ઉપાય ન જણાયાથી એવો પણ ભય થયો કે, જો ઘરનો માલિક આવી લાગશે, તો અહીં અને અત્યારે જ મારાં સો વર્ષ પૂરાં કરી નાખશે, અથવા તો નાક કાપીને જન્મારાની ખોડ આપી દેશે. છેવટે મેં આત્મહત્યાનો વિચાર કર્યોઃ પરંતુ પુનઃ નરકવાસનું સ્મરણ થતાં તે વિચારને ફેરવી નાખ્યો. તે સાથે એવો વિચાર પણ આવ્યો કે, જ્યાં સુધી આપણે પકડાયા નથી, ત્યાં સુધી તો ધૈર્યનું અવલંબન કરવું જ, કારણ કે, પુરુષના ધૈર્યની સત્ય પરીક્ષા આવા સંકટના પ્રસંગમાંજ થાય છે. છતાં જો તેવો જ પ્રસંગ આવી લાગશે, તો આત્મહત્યા કરવામાં શો વિલંબ થવાનો હતો વારૂ ? આવી ધારણાથી મેં પુનઃ તેને સમજાવીને બુદ્ધિમાં લાવવાના અનેક પ્રયત્ન કર્યા, પણ તે હઠવાદિની એકની બે થઇ નહિ. અંતે જ્યારે તેની છરીથી હું મારૂં પોતાનું ગળું કાપીને મરી જવાને તૈયાર થઇ ગયો, ત્યારે જ કાંઇક શાંત થઇ. મારો હાથ ઝાલીને કહેવા લાગી કે;-

“આજ તમારો પુરુષાર્થ કે ? આમ આત્મહત્યા કરીને અકાળે મરી જવાથી શું ફળ મળવાનું હતું વારૂ ?”

“જો તમે આ ક્ષણે જ મને અહીંથી જવા દેસો તો તો ઠીક છે; નહિ તો લોકોને આપણી ફજેતી જોઇને તાળીઓ વગાડતાં જોવાં અને શરમભરેલી જિંદગીથી જીવવું, એના કરતાં આબરૂ જાળવીને