પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
રાજકુમાર રક્તસેનની કથા

કુમારે લાલ છુપાવ્યાનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, એટલે વેશ્યાએ તરત પોતાની નથમાં નાખવા માટે તેમાંના એક લાલની માગણી કરી. રાજકુમારે કહ્યું કે;–“આવતી કાલે કોઈ સારા શસ્ત્રવૈદ્યને બોલાવી આ ભાગને કપાવીને તને એક લાલ હું કાઢી આપીશ.” એમ કહીને તે ભેાજન કરવાને બેઠો. રાત્રે તે મહા પશ્ચાત્તાપ પામીને પોતાના મનમાં જ કહેવા લાગ્યો કે;–“હવે જો હું વેળાસર સાવધ નહિ થાઉં, તો અવશ્ય આ વેશ્યા મારા પ્રાણનો ઘાત કરી નાખશે.” આવો નિશ્ચય કરી બીજે દિવસે વૈદ્યને ઘેર જવાનું નિમિત્ત કરી તે પોતાના અશ્વ પર આરૂઢ થયો અને વૈદ્યને ત્યાં જવાની તૈયારી કરવા લાગ્યો. તે મદનમોહિની વેશ્યાએ પોતાના પિતાને બોલાવીને કહ્યું કે;–“તમે છુપાઈને આ પ્રવાસીની પાછળ પાછળ જાઓ અને એ જ્યાં મુકામ કરે ત્યાંથી તે જોઈ તરત પાછા આવીને મને એના સમાચાર આપો.” એમ કહી પ્રવાસના ખર્ચ માટે પૈસા આપી તેણે પોતાના પિતાને રાજકુમારની પાછળ રવાના કરી દીધો.

રાજકુમાર ત્યાંથી અશ્વને વાયુના વેગે ચલાવી કેટલાક દિવસ પછી એક બીજા દેશમાં જઈ પહોંચ્યો. ત્યાં પહોંચ્યા પછી તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે;–“આ નગરના રાજાને ત્યાં થોડાક દિવસ નોકરી કરી આ દરબારની રીતભાત જોઈને વાટ ખર્ચી જેટલા પૈસા થાય એટલે પછી આગળ વધવું, એ સારૂં છે.” આવો વિચાર કરી રાજાની સભામાં જઈને તેણે પ્રાર્થના કરી કે;-“મહારાજ ! હું અમુક દેશનો નિવાસી છું અને આપની કીર્તિ સાંભળી આશ્રય મેળવવાની આશાથી અહીં આવ્યો છું. એટલા માટે જો આશ્રય આપશો, તો આપનો મારા પર મોટો ઉપકાર થશે !”

રાજાએ તેની આકૃતિથી તેને કુલીન વંશનો જાણીને તેની યોગ્યતા પ્રમાણેની એક પદવી આપી પોતા પાસે રાખી લીધો. મદન- મોહિની વેશ્યાનો પિતા રાજકુમારના નિવાસસ્થાનને જોઈને પાછો પોતાની પુત્રી પાસે આવી લાગ્યો, અને તેણે તેને રાજકુમારનો સમસ્ત