પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના


હવે અહીં જે એક વિશિષ્ટ પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ છે કે, પ્રસ્તુત ગ્રંથમાં જે કથાઓ આપવામાં આવી છે તે સર્વ ગતાનુગતિક છે, ડોક્ટર રામજીની પોતાની કલ્પનાના પરિણામરૂપ છે કિંવા બીજા ગ્રંથોમાંથી લેવામાં આવી છે? એનું ઉત્તર એ જ આવે છે કે, આમાંની કથાઓ કેટલીક ગતાનુગતિક છે, કેટલીક અમુક પ્રકારના રુપાંતર સહિત અન્ય ગ્રન્થોમાંથી પણ લેવાયલી છે અને કેટલીક કદાચિત્ ડોક્ટર રામજીની પોતાની પણ હશે. જે કથાઓ બીજા ગ્રંથોમાંથી લેવાયલી છે, તેમાંની સામળભટ્ટની વિક્રમાદિત્ય*[૧] વિષયક કેટલીક કથાઓ તેમજ 'સહસ્ત્રરજની' (અરેબિયન નાઈટસ)માંની બેચાર કથાઓ તરત ઓળખાઈ આવે છે અને તેથી કલ્પના કરી શકાય છે કે, એ ઉપરાંત બીજા કથાગ્રંથોમાંની પણ કેટલીક કથાઓ એ ચાર ભાગમાં લેવામાં આવી હશે જ. માત્ર એ કથાઓને સ્વીકારી પોતાના ગ્રંથમાં તેમનો સમાવેશ કરતાં ડોકટર રામજીએ એટલી સંભાળ અવશ્ય રાખી છે કે, જે કથાઓમાં સ્ત્રી ચરિત્રના કોઈ એક તત્ત્વની મહત્તા જણાઈ આવતી હોય, તેવી જ કેટલીક કથાઓનો સ્વીકાર કર્યો છે. અર્થાત્ એથી ડોકટર રામજીના અનુભવ, વિશાળ વાંચન અને બહુશ્રુતત્વ આદિનો તો આપણને તત્કાળ સારો પરિચય મળી શકે છે. આમાંની ઘણીક વાર્તાઓ આજથી વીસ વર્ષ પહેલાં એક ભાવસાર મિત્રના મુખથી મેં પોતે પણ એક કે બીજા રૂપમાં સાંભળી હતી અને તેથી નિશ્ચય થયો કે, એ વાર્તાઓ હજી પણ લોકોના સ્મરણમાં અને મુખમાં રમી રહેલી છે. એટલે આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે તે યોગ્ય જ છે, એમ સુજ્ઞ વાચકો પણ જાણી શકશે જ.

મુંબઇ તા૦ ૧-૬-૧૯૧૪
સોમવાર
}
ઠક્કુર નારાયણ
અનુવાદક


  1. * “વિક્રમાદિત્ય અને સ્ત્રી ચરિત્ર” એ નામનો અન્ય વિભાગ તૈયારથાય છે. વ્યવસ્થાપક “ગુજરાતી” પ્રેસ