પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ચપલા ચરિત્ર ચંદ્રિકા

વૃત્તાંત કહી સંભળાવ્યો. તે વેશ્યા પોતાના અનેક દાસદાસીને સાથે લઈ નાના પ્રકારના ઉત્તમ વસ્ત્રાલંકાર ધારીને તે રાજાની સભામાં ગઈ; પોતે બહાર ઊભી રહી અને પોતાના પિતાને તેણે રાજા પાસે મોકલ્યો. વેશ્યાના પિતાએ પુત્રીની શીખવણી પ્રમાણે રાજાને પ્રાર્થના કરી કે;–“મહારાજાધિરાજ ! આ તમારી સ્‍હામે જે તરુણ બેઠો છે, તે મારો જમાઈ છે. મારી પુત્રી અત્યારે તારુણ્યમાં આવેલી છે છતાં તેને ત્યાગીને આ જૂદા જૂદા દેશોમાં રખડતો ફરે છે, અને હું વૃદ્ધ થએલો હોવાથી મારાથી મારી પુત્રીનો ખર્ચ નિભાવી શકાતો નથી. એ કારણથી આ ઠગ જમાઈનો પત્તો મેળવી એની ગૃહલક્ષ્મીને લઈને હું અહીં આવી લાગ્યો છું. તો કૃપા કરી એ પતિપત્નીનો સંપ કરાવી આપો એટલે હું સર્પના ભારાને મારા માથા પરથી ઊતારીને ઘેર ચાલ્યો જાઉં અને પ્રભુ ભજનમાં મારો કાળ વીતાડી શકું.” આ તેની પ્રાર્થના સાંભળી રાજાએ તત્કાળ બે દાસીઓને મોકલી તે વેશ્યાને એક જૂદા મહાલયમાં રહેવાની વ્યવસ્થા કરી આપી અને અનુચરોને તે બાઈને જે વસ્તુ જોઈએ તે લાવી આપવાની સખ્ત તાકીદ કરી દીધી.

રાજકુમાર પોતાની પ્રતિષ્ઠાને જાળવવા માટે એક પણ શબ્દનો ઉચ્ચાર ન કરતા મૌનને જ ધારી રહ્યો. સભા વિસર્જન થવા પછી ઘેર આવી પોતાની તે જ મનોહારિણીને જોઈને તે કાંઈક સંતુષ્ટ થયો અને તેને પૂછવા લાગ્યો કે;-“તું અહી મારી પાછળ શા કારણથી આવી છે વારૂ ?” એના ઉત્તરમાં તેણે જણાવ્યું કે;-“પ્રથમ દિવસે તમને હું ધર્મશાળામાંથી મારે ઘેર લઈ ગઈ, તે વેળાથી જ મારા મનથી મેં તમને મારા પ્રાણનાથ માની લીધા છે. તમે મારી પાસે પાછા આવવાની કબુલાત આપ્યા છતાં વૈદ્યને ત્યાંથી બારોબાર અહીં ચાલ્યા આવ્યા તે શા માટે ? શું હું તમને મારી નાખવાની હતી કે ?”

રાજકુમારે મનમાં કલ્પના કરી કે;-“આ વેશ્યા હોવા છતાં બળાત્કારે મને પોતાનો પ્રાણનાથ બનાવે છે, એથી સ્પષ્ટ જણાય