પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
રાજકુમાર રક્તસેનની કથા

છે કે, એ અવશ્ય અહીં કાંઈ પણ દગાની રમત રમવાને જ આવેલી હોવી જોઈએ અર્થાત્ એનાથી બહુજ સંભાળીને વર્તવાનું છે, નહિ તો નાશ નિકટમાં જ છે !” આવી કલ્પના થતાં તે પોતાના સેવકો સહિત બીજી મેડી૫ર જ રહેતો હતો અને કોઈ કોઈ વાર વેશ્યાની મેડીમાં આવતો હતો, અને તેની સાથે વિલાસ કરી પાછો પોતાના ભિન્ન શયનગૃહમાં ચાલ્યો જતો હતો. તે વેશ્યા રાજકુમારને મારીને તેની જંધામાંના બે લાલ કાઢી લેવાનો લાગ જોયા કરતી હતી. એવી રીતે કેટલાક દિવસ વીતી ગયા, એ સમયમાં તે રાજ્યના પ્રધાનપુત્ર અને આ રાજકુમારનો પરસ્પર ગાઢ મૈત્રીસંબંધ થયો હતો. એક દિવસે રાત્રે તે બન્ને મિત્રો રાજોદ્યાનમાં ગયા અને ત્યાં રાજકુમાર વિશેષ મદિરાપાન કરવાથી ઉન્મત્ત થઈ ગયો. એટલે પ્રધાનપુત્ર ગાડીમાં નાખીને તેને તે વેશ્યાના ગૃહમાં લાવ્યો અને કહેવા લાગ્યો કે;- “બાઈ ! તમારા પતિરાજ મદિરાપાનથી મદોન્મત્ત બની ગયા છે, માટે એમને શીતોપચારથી સાવધ કરો, એટલામાં ઘેરથી ભોજન કરીને હું હમણાંજ પાછો આવી પહોંચું છું.” એમ કહીને પ્રધાનપુત્ર પોતાને ઘેર ચાલ્યો ગયો. વેશ્યાએ રાજકુમારને અસાવધ અવસ્થામાં જોઈ પોતાના પિતાને બોલાવીને કહ્યું કે;-“અત્યારે અને આ ક્ષણેજ ગમે તે ઉપાયે થોડુંક કાતિલ ઝેર ક્યાંકથી લાવી આપો; એટલે આપણું કામ પાર પડી જાય !” તેનો પિતા બજારમાં ગયો અને ત્યાર પછી કદાચિત્ રાજકુમાર સાવધ થઈને છટકી જશે તો ઇચ્છા ફળીભૂત નહિ થાય એમ ધારીને જે પલંગપર રાજકુમાર પડ્યો હતો તે પલંગ સાથે મજબૂત દોરડાથી તેણે તેને જકડી લીધો. રાજકુમાર થોડી વારમાં જ સાવધ થયો અને જોયું તો મિત્ર પાસે નથી, અને વેશ્યાએ એવો સજ્જડ બાંધી લીધો છે કે છૂટવાનો ઉપાય નથી, એવી પોતાની નિરાધાર અવસ્થા તેના જોવામાં આવી. મનમાં અત્યંત ખેદ પામીને પોતાના પ્રાણને બચાવવા માટે તે વેશ્યાની અનેક પ્રકારે પ્રાર્થના કરવા લાગ્યો, પરંતુ તે વજ્રહૃદયની વેશ્યાના મનમાં દયાનો ઉદ્દભવ