પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
વારૂણીની વાર્તા

એવી ભુલથાપ આપી ઘરમાંનાં મૂલ્યવાન રત્નો, અને સુવર્ણાલંકાર ઇત્યાદિ પોતાના જારના હાથમાં સોંપી માર્ગમાં ક્યાંય પણ લાગ જોઈને પતિને પરલોકમાં પહોંચાડી દેવાનો તેણે સંકેત કર્યો અને પાતાના તે દુષ્ટ હેતુને પાર પાડવા માટે તે પતિને આડી વાટોમાંથી લઈ ચાલી. અડધો માર્ગ કપાયો ત્યાં સૂર્યનો અસ્ત થયો અને તેવામાં વળી તે સ્ત્રીએ એવો ઢોંગ કર્યો કે;-“મારા પગમાં જબરો કાંટો પેસી ગયો છે એટલે મારાથી એક ડગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી !” પતિ તેને ખભે બેસાડીને ધીમે ધીમે ચાલવા લાગ્યો. એવા માં લગભગ દોઢ પ્રહર જેટલી રાત થવા આવી. તે વેળાએ તે સ્ત્રીએ કહ્યું કે;–“મને બહુ જ તરસ લાગી છે, મારા પ્રાણ નીકળી જાય છે, માટે ગમે ત્યાંથી પાણી લાવો અને મને પીવડાવો !” માર્ગથી જરાક દૂર એક કૂવો હતો ત્યાં ધર્મકાન્ત પોતાની પત્ની સહિત ગયો અને દોરી લોટો સાથે હોવાથી કૂવામાંથી પાણી કાઢીને પ્રથમ તેણે તે સ્ત્રીને પીવા માટે આપ્યું. ત્યાર પછી તે સ્ત્રી આમતેમની કેટલીક વાતો કરીને વખત વીતાડી પોતાના યારના આવવાની વાટ જોવા લાગી, પરંતુ તે આવ્યો નહિ એટલે જતી વેળાએ પાછું તેણે પાણી માગ્યું. ધર્મકાન્ત પાણી કાઢતો હતો એટલામાં ધીમેથી તેની પાછળ જઈ તે પાતકી પ્રમદાએ પતિના બન્ને પગ પકડીને તેને ઊંધે માથે કૂવામાં નાખી દીધો, અને ઉપરથી મોટા મોટા પત્થર નાખીને તત્કાળ તેના પ્રાણનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી જ્યારે તેનો યાર આવી લાગ્યો એટલે તેને તેણે પોતાની વીરતાનો ઇત્થંભૂત વૃત્તાંત કહી સંભળાવ્યો. વારુણી અને તેનો જાર ત્યાર પછી ત્યાંથી બીજા કોઈ દેશમાં ચાલ્યા જવા માટે નીકળ્યાં. તેઓ ચાલ્યાં જતાં હતાં એવામાં કર્મધર્મ સંયોગે અચાનક વારુણીના કેટલાક આપ્તજનો બીજે ગામથી વળ્યા હતા તે માર્ગમાં મળી ગયા અને તેમણે તેને પૂછ્યું કે;–“તમે આ પારકા પુરુષ સાથે ક્યાં જાઓ છો ?” તત્કાળ કાંઈ ઉત્તર ન સૂઝવાથી તે પાપિની ગભરાઈ ગઈ અને