પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૧૦]
લગ્નોત્સવ

વખત જતો ગયો તેમ તેમ આભાશા તથા નિહાલ શેઠ બન્નેને લાગતું ગયું કે સુલેખા માટે રિખવ અને રિખવ માટે સુલેખાની જ જોડી વિધાતાએ નક્કી કરી રાખી છે. ત્રાહિતોએ પણ મત આપ્યો કે આ બન્નેનાં લગ્ન થાય તો સોનામાં સુગંધ મળે. જીવણશા તરફથી નેમીદાસ માટે અવારનવાર થતું દબાણ લશ્કરી શેઠે ગણકાર્યું નહિ.

શુભ શુકન જોઈને રિખવ–સુલેખાનું વેવિશાળ નક્કી થયું અને શુભ તિથિનાં લગન લેવાયાં.

જીવણશાના પેટમાં જાણે કે તેલ રેડાયું.

આભાશાએ જગન આદર્યો. સાત પેઢીનું નામ ઉજાળનાર એકના એક પુત્રના લગનની ધામધૂમનું તો પૂછવું જ શું ? ગામમાં ચાર જગ્યાએ તો મોટા મોટા કોઠાર ઉઘાડ્યા છે અને તેમાં ગામોગામથી ગાડાંમોઢે ખાદ્યસામગ્રીઓ આવી આવીને ઠલવાય છે. મહિના મહિના દિવસથી સુખડિયાઓએ તવા માંડ્યા છે અને જાતજાતની ને ભાતેભાતની મીઠાઈ તૈયાર થાય છે. આભાશાએ તિજોરીનાં બારણાં અને કોથળીઓનાં મોં ખુલ્લાં મૂકી દીધાં છે. લગનનિમિત્તે મુનીમ તેમ જ વાણોતરોને મોકળે મને પૈસા વાપરવાની છૂટ મળી છે. ચતરભજને મનચંગા છે. દલુ તેમ જ ઓધિયો આનંદમાં છે અને ચોવીસે કલાક રિખવ શેઠની ખડે પગે ચાકરી કરે છે. રસિક રિખવ શેઠ પોતાના ભાવિ લગ્નજીવનનાં સ્વપ્નાં અનુભવી રહ્યા છે.