પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નોત્સવ
૮૯
 

 લોંકટા જોઈને પસંદ કરવામાં આવ્યા છે. એમની ભરાઉ ડોકમાં ઘૂઘરમાળ ઘમકે છે. માથે ઝૂલ ઝૂલી રહી છે. પચરંગી હીરભરત અને આભલાંએ ઓપતી શીંગડીઓની અણીઓ ઉપર પોપટપંખી શોભી રહ્યાં છે. ગાડાને ચાર છેડે ખોડેલ વાંસ ઉપર આભાશાને ત્યાં વડવાઓ તરફથી વારસાગત મળતો આવેલો અસલ કિનખાબી જરિયન માફો ઓઢાડવામાં આવ્યો છે. સિગરામનો આ શણગાર આટઆટલા પંથકમાં આભાશાની આગવી મિલકત ગણાય છે અને નાના નાના દરબારો પણ કોઈ કોઈ પ્રસંગે આ રજવાડી શણગારસામગ્રી આભાશા પાસેથી ઉછીની માગી જવામાં ગર્વ સમજે છે.

એક માફા પાછળ બીજો, બીજા પાછળ ત્રીજો એમ કતાર લાગી છે, એ કોઈ દિગ્વિજય કરવાને નીકળેલી સવારીની યાદ આપે છે. એનો ઠાઠ પણ લશ્કરી જ છે. ચાર ચાર ગાડાં છોડીને દર પાંચમે ગાડે એકેક બંદૂક અને કીરચધારી વોળાવિયો ખોંખારા ખાતો આવે છે. એમાંના મકરાણી ને આરબ તો આભાશાને ત્યાં જ જન્મ્યા છે ને મોટા થયા છે. વર્ષો પૂર્વે જ્યારે પેઢીની એક દુકાનેથી બીજી દુકાને સોનૈયા, મહોર, રૂપિયા તેમ જ અન્ય સિક્કાઓની પોઠો ભરીભરીને હેરવણીફેરવાણી થતી ત્યારે આ મકરાણી ને આરબ બચ્ચાઓના વડવાઓએ પોતાનાં લીલાં માથાં વઢાવ્યાં હતાં. એ નેકી અને નિમકહલાલીનું યત્કિંચિત્ ઋણ ચૂકવવા માટે એ ભડવીરોના વારસદારોને આભાશા હજીય પોષ્યે જતા હતા. અત્યારે આખે રસ્તે એ સિંહબચ્ચાઓ તેમના રગડકસૂંબા વાટ્યે જતા હતા. અને વચ્ચે વચ્ચે ગેલમાં આવે ત્યારે માદરઝબાંમાં એકાદ–બે શેર ગગડાવી કાઢતા અથવા મોજ ખાતર હવામાં બંદૂકનો અવાજ કરીને જાનના પડને જાગતું રાખતા હતા.

મધ્યયુગમાં જ્યારે ધિંગાણાં અને દંગા સામાન્ય હતાં ત્યારના વખતની દારૂગોળા ભરવા માટે વપરાતી જંગી કોઠીઓમાં ઠાંસોઠાંસ લાડવા તેમ જ અન્ય મીઠાઈઓ ભરી લીધી હતી. ત્રણ ત્રણ કલાકે