પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
વ્યાજનો વારસ
 


ઘ્રાણેન્દ્રિયને આ પ્યાલીની વાસ અસહ્ય થઈ પડી હતી. બીજુ કશું ન સૂઝતાં એણે અંબરના છેડાનો ડૂચો વાળી, નાક આડે ગોઠવ્યો.

‘આ શું કરે છે ?’ રિખવે આંખ કાઢી.

‘માફ કર. મારાથી આ વસ્તુ દૂર રાખ. એની દુર્ગધ નથી ખમાતી.’

‘દુર્ગંધ કે સુગંધ ?’

‘તારે મન એ સુગંધ હશે. મને તો એ નરક કરતાંય બદતર…’

‘એમ કહીને તું આ પીણાનું અપમાન કરે છે.’

‘એ પીણું અપમાનને જ લાયક છે.’

‘ત્યાં જ તારી ભૂલ છે. દેવોએ પણ આ વસ્તુને તો સન્માની છે. દેવલોકમાં પણ સુરાપાન થાય છે. સુરા તો કુદરતની એક સંપત્તિ છે. એનો ઉપભોગ કરવો એ માનવીનો ધર્મ છે.’ રિખવે કહ્યું

‘બહુ થયું લે, હવે. તારા સ્વાર્થ માટે બિચારા દેવો અને દેવલોકને શા માટે વગોવે છે?’ સુલેખાએ કરડાકીથી કહ્યું.

એ કરડાકીએ રિખવને સહેજ મલકાવ્યો. બોલ્યો : ‘દેવોને વગોવવા ન હોય તો આટલો બધો ગુસ્સો કાં કરે છે ? દેવોના અમૃતનું આવી રીતે અપમાન ન કરાય.’

‘એ અમૃત ઝેરથીય બદતર છે.’

‘ઝેર તો ઝેર ગણીનેય એક પ્યાલી તો પીવી જ પડશે.’

‘એ મારાથી નહિ બને.’ સુલેખાએ કહ્યું.

‘તું મારા ઉપર જુલમ કરે છે. આ જામ તો મારા જીવનનું સર્વસ્વ છે. જીવનનો પ્રાણવાયુ કહું તોય ખોટું નથી…’

‘જો એમ હોય તો તું એકલો જ એ પ્રાણવાયુ લઈ શકે છે. મને શા માટે સંડોવે છે ?’

‘ત્યાં જ તારી ભૂલ થાય છે.’ રિખવે ખડખડાટ હસી પડતાં