પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ'
૯૫
 

 કહ્યું : ‘તું ચાખે નહિ ત્યાં સુધી આ જામ એ જામ નથી. અંદરનો મધુ એ મધુ નથી પણ પાણી જ છે. તારા ઓઠનો મધુ એમાં ઓગળશે ત્યારે જ એ સાચો મધુ બનશે.’

‘આ બધું કાવ્યમાં શોભે, વ્યવહારમાં નહિ.’

‘વ્યવહારને પણ હું કાવ્યમય બનાવવા માગું છું. જીવનને કાવ્ય તરીકે જ જીવવા માગું છું. નાનપણથી જ શાસ્ત્રી માધવાનંદજી ને ઉસ્તાદ ઐયૂબખાને મને કવિતાના મધુ પાયા છે. અત્યારે હું ‘પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’ પીવા માગું છું.’ રિખવે પ્યાલી સુલેખાના ઓઠ નજીક ધરતાં કહ્યું : ‘આહાહા ! સંસ્કૃત કવિઓ પણ શી રસિક કલ્પનાઓ કરતા ગયા છે ! પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ ! વાહ કવિ વાહ !’

‘સંસ્કૃતના અભ્યાસમાંથી સંસ્કાર તો સારા ગ્રહણ કર્યા છે !’

‘અમને રસિકોને મન સારું કે ખરાબ એવા ભેદભાવ હોતા જ નથી. સારા ખરાબના ચુકાદા વિમલસૂરી જેવા વેવલા ધર્મગુરુઓ અને ચોખલિયા નીતિશાસ્ત્રીઓને સોંપ્યા. કવિ લોકોને તો જે ઉચિત લાગ્યું તે બધુંય સારું. ક્ષેમેન્દ્ર ઔચિત્યને કાવ્યનો આત્મા અમસ્તો ગણાવ્યો હશે ?’

‘બિચારો ક્ષેમેન્દ્ર એક બાકી રહી ગયો હતો તો એનેય વગોવી લે.’

‘વગોવવાની વાત નથી, સુલેખા ! આ તો તારી સૂગ દૂર કરાવવા માટે આટલું બોલવું પડ્યું.’

‘મારી સૂગ દૂર થવાને બદલે ઊલટાની વધી છે. આભાશાના ખોરડે આવી ચીજની હાજરી મે નહોતી ધારી…’

‘બાપદાદાઓ અંગેના એવા જુનવાણી ખ્યાલો આજના જમાનામાં ન ચાલી શકે. આભાશાની મેડી આ વસ્તુથી કાંઈ અભડાઈ જવાની નથી.’