પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


યોગ્ય રીતે જ એની નીતિને અલબ્ધલાભાર્થા ન મેળવેલું મેળવવા માટેની લબ્ધપરિરક્ષણી મેળવેલું બચાવનારી, રક્ષિતવિવર્દ્ધની બચાવેલામાં વધારો કરનારી,એમ કહીને છેવટે વૃદ્ધસ્ય તીર્થાષુ પ્રતિપાદનીય વધારેલા ધનને તીર્થરૂપી અત્પુરુષો કે સંસ્થાઓને સોંપવામાં રાચનારી વર્ણવી છે. એટલે કે લક્ષ્મીને સાચો ઉપયોગ તીર્થરૂપ વ્યક્તિઓ મારફત એકમાત્ર સમાજ કરી શકે એમ છે. 'વ્યાજનો વારસ' હિંદીઓના લોહીમાં યુગોથી રમતી આ ભાવનાને મૂર્ત કરી આપે છે. એનો નાયક છે આપણાં ગામડાંનો ગરીબ સમાજ જેનું સૌભાગ્ય કથાની વ્યક્તિઓની અંગત વ્યથાઓ, અને વેદનાને અંતે પણ ખીલી ઊઠતું જોવા મળે છે – એ નાનુંસૂનું આશ્વાસન નથી.

કથા, આ રીતે, શાન્ત રસની છે, છેક અન્તભાગમાં પણ સુલેખા રિખવની એની સ્મૃતિઓમાંથી 'સુરૂપકુમાર' સર્જવા બેઠી છે એ દર્શાવે છે તેમ, શૃંગાર આદિ રસોના ઊર્ધ્વીકરણે સિદ્ધ થયેલો આ શાન્ત રસ છે. કર્તા પ્રસ્તાવનામાં કહે છે તેમ કથાની ભૂમિકા તરીકે થોડા દાયકા પહેલાંનો સમય લીધો છે, એથી વ્યકિતગત જીવનસાધના, અને તે પ્રાચીન ધર્મભાવનાને અનુસાર, નિરૂપવી શક્ય બની છે, છેક અત્યારે સમય લીધો હોત તોય 'વ્યાજનો વારસ કોણ?'નો જવાબ તો સમાજ, એમ જ મળત. પણ એનાં નિરૂપણની પદ્ધતિ નોખી રહેત.

આપણા રૂઢિગ્રસ્ત સમાજજીવનનાં અનેક પડનું અવલોકન લેખક સૂસૂક્ષ્મતા અને સમભાવથી કરી શક્યા છે. આ કથા લેખકના અનેકવિધ અનુભવની પ્રતીતિ કરાવે છે. ચિત્રો ઉઠાવવાની શક્તિ ઊંચા પ્રકારની છે. ભાષાના રૂઢિપ્રયોગો (Idioms) ઉપર એમની લેખણીનો અસાધારણ કાબૂ છે. પ્રાદેશિક પ્રયોગો યથાસ્થાને શોભે છે. ઉર્દૂ અને ખાસ તો મી'ગોળા ગામની તળાવડીએ એમીએ સાંભળેલા લોકગીતોના ટુકડા યોગ્ય રીતે ઉતારાયા છે.