પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
વ્યાજનો વારસ
 

 ‘મેડી નહિ પણ શરીર અભડાય છે એનું શું ?’ સુલેખાએ પૂછ્યું.

‘અમે રસિકો એવી આભડછેટ રાખતા નથી. અમારે મન તો મદ્ય એ ગંગોદક જેટલું જ પવિત્ર પીણું છે. એનું પાન કરીને પાવન થઈએ અને પ્રેરણા મેળવીએ.’ રિખવે સુલેખાની બાજુમાં નજીક ખસતાં કહ્યું.

રાત્રિના પ્રહર ગળતા જતા હતા. બારી બહાર ધવલોજ્જવલ ચાંદની ચૂઈ પડી હતી. સૂસવતો વાયરો આવીને વસ્ત્રોને વંટોળી જતો હતો.

‘મદ્યપાનથી પ્રેરણા મળે છે ?’ સુલેખાએ કુતહલથી પૂછ્યું.

‘હાસ્તો. મદ્યપાન તો અ–કવિને કવિતા સ્ફુરાવે. ફિલસૂફોને જીવનનાં રહસ્ય સૂઝાડે. જ્ઞાનીઓને પરમ સત્યનો સાક્ષાત્કાર કરાવે. મદ્ય તો મૃત્યલોકનું અમૃત છે.’

સુલેખા અત્યારે પહેલી જ વાર સહેજ હસી. પૂછ્યું, ‘મૃત્યુલોકનું એ અમૃત પીવાથી તને શી પ્રેરણા થાય છે ?’

રિખવે ડાબા હાથ વડે સુલેખાની કમરને ભીંસ લેતાં કહ્યું : ‘પેલી રસ–ટપકતી કાવ્યપંક્તિ યાદ આવે છે ?’

પદ્યા-પયોધરતટી-પરિરંભલગ્ન–
કાશ્મીરમુદ્રિતમુરો મધુસૂદનસ્ય *[૧]

સુલેખા બોલી : ‘આ તો ગીત–ગોવિન્દના કર્તાની પંક્તિ. રાધાકૃષ્ણની લોકોત્તર પ્રણયક્રીડાનું એ વર્ણત છે. આપણા જેવા સામાન્ય પ્રેમીઓના પ્રેમટાહ્યાલાઓનું કેટલું ભવ્ય ઉર્ધ્વીકરણ એ કવિએ કરી બતાવ્યું છે ! કવિતાને અપાયેલું આત્માની કલાનું બિરુદ એ કવિએ સાર્થક કરી આપ્યું.’


  1. *પદ્યાના પયોધરને ગાઢ રીતે આલિંગન કરવાથી એના પયોધર ઉપર રહેલ કેસરની છાપ પોતાના વક્ષ:સ્થળમાં મધુસૂદને ધારણ કરી છે.