પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'પ્રિયા મુખોચ્છ્‌શ્વાસ વિકમ્પિતં મધુ'
૯૭
 

 જરા વાર રહીને સુલેખાએ પૂછ્યું : ‘પણ એવી અપ્રતિમ કાવ્યપંક્તિની સ્ફુરણા માટે જયદેવને પોતાને મદ્યપાનની જરૂરત ઊભી થઈ હતી કે કેમ, એ તપાસ કરી છે ?’

રિખવ સહેજ દાઝ્યો. બોલ્યો : ‘મારે જયદેવનો વાદ કરવાનું ન પોસાય. અમે રસિક લોકો તો કવિઓ કરતાંય એક ડગલું આગળ વધ્યા છીએ. કવિ લોકો તો કાવ્યો લખી જાણે. અમે તો, હમણાં જ મેં કહ્યું તેમ, કાવ્ય જીવી જવા માગીએ છીએ.’

સુલેખાને ફરી હસવું આવ્યું. આ વખતના તેના હાસ્યમાં રિખવની બાલિશ વાતો પ્રત્યે એક જાતનો તિરસ્કાર પણ હતો. તેણે પૂછ્યું :

‘રસિક કોને કહેવાય તે સમજાવીશ ?’

‘રસના ભોક્તા તે રસિકો. રસના પિપાસુઓ તે રસિકો.’

રિખવના અવાજમાં એક જાતનું ઘેન પરખાતું હતું, વાતાવરણમાં નીરવતા હતી. ઓરડાની હવામાં ઉત્તેજના હતી.

‘રસિકોના, એ સિવાયના કોઈ લક્ષણો ખરાં કે ?’ સુલેખાએ મર્મમાં પૂછ્યું.

‘રસિકોને રસતરસ્યાં ગણાવ્યાં, એમાં સર્વ લક્ષણો સમાવિષ્ટ થઈ ગયાં જાણવાં. જેવી રીતે ભ્રમર જ્યાં જ્યાં મધુ દેખે ત્યાં ત્યાં એનો સંચય કરવા દોડી જાય તેવી રીતે રસિકો પણ જ્યાં જ્યાં રસદર્શન કરે ત્યાં ત્યાં એનો આસ્વાદ માણવા દોડી જાય. સાચા રસિકોને રસયોગી કહેવાય.’ રિખવે કહ્યું.

‘રસિક લોકોનાં આટલાં બધાં લક્ષણો ગણાવે છે પણ એમાંનું મુખ્ય લક્ષણ તો તું ભૂલી જાય છે…’

‘કયું છે એ લક્ષણ વળી ?’ રિખવે ઉપેક્ષાથી પૂછ્યું.

‘રસિકો કામવર્જિત હોય, એ લક્ષણ. રસિકતા તો પરમ સાત્ત્વિક હોવી જોઈએ. વિલાસીપણું તો લંપટતામાં ખપે. મદ્યપાન