પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
વ્યાજનો વારસ
 

 સખનાર ડામણ તૂટી ગઈ. ભીંત પર અગણિત ટુકડાઓમાં ભાંગીને ભુક્કો થતી પ્યાલીનો ખણખણાટ હજી તો પૂરો શમે એ પહેલાં જ નશામાં ચકચૂર રિખવના પગનું મોજડીસોતું પાટુ સુલેખાના શરીર ઉપર લાગ્યું અને ચમકીને સુલેખા બે–ત્રણ ડગલાં પાછળ હટી ગઈ.

આંખમાંથી અંગારા વેરતી એ જ મુખમુદ્રાએ રિખવ આગળ વધ્યો.

સુલેખા સંપૂર્ણ સ્વસ્થ હતી. જરીકેય ડઘાયા વિના કે મોંની એક પણ રેખા બદલવા દીધા વિના દાંત વચ્ચે ઓઠ ચાવતી ચાવતી મક્કમ પગલે એ પાછળ હઠી અને અનાયાસે જ ઉંબરો ઓળંગાઈ જતાં બારણાની બહાર નીકળી ગઈ.

રિખવે રોષમાં ને રોષમાં બન્ને બારણાં વાસીને અંદરથી ભોગળ ભીડી દીધી; અને હાથમાં અધૂરો શીશો ગટગટાવી જઈ, બત્તી બુઝાવી, ભફ્ કરતોકને પલંગમાં પડી ગયો.

બહાર છજામાં આખી રાત સુલેખા જાગતી ઊભી રહી.

*