પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમરતની આકાંક્ષાઓ
૧૦૩
 

 અહમ્‌ભાવ, વિલાસિતા અને વિકૃતિઓએ મળીને એ વિફરાટને ઝનૂની બનાવ્યો હતો. અત્યારનું રિખવનું વર્તન ‘કામાત્ક્રોધાભિજાયતે’ના ગીતાવચનની યાદ આપતું હતું.

દરમિયાનમાં સુલેખાનું વર્તન અજબ આશ્ચર્ય ઉપજાવે એવું થઈ રહ્યું છે. રિખવે પોતાને તરછોડી છે એ હકીક્તનો સુલેખાએ કોઈને અણસાર કર્યો નથી; એટલું જ નહિ, એ બનાવની કોઈને ગંધ સરખી જવા દીધી નથી, કે નથી પોતાના વર્તનમાં કે દિનચર્યામાં લગીરે ફેર પડવા દીધો. પોતાના હૃદયની યાતનાઓ એ મૂંગી મૂંગી પોતાની ચિત્રકલામાં વ્યક્ત કરી રહી છે.

ઘરમાં સહુ માણસો સાથે એને ગોઠી ગયું છે. એક માત્ર અમરત ફઈ સાથે એને નથી ફાવતું. જોકે સાચી વાત તો એમ કહી શકાય કે અમરત ફઈને જ આ ભત્રીજા–વહુ સાથે નથી ફાવતું. કોણ જાણે કેમ, પણ સ્વાર્થના પૂતળા જેવી અમરતને સમજાઈ ચૂક્યું છે કે નિઃસ્વાર્થતા અને ઔદાર્યની મૂર્તિ સમી સુલેખા સાથે પોતાના કૃપણ ને કપટી જીવનનો મેળ જ નહિ મળે.

આજ દિવસ સુધી આ ઘરમાં માનવંતીનું નહિ પણ અમરતનું અનિયંત્રિત રાજ્ય ચાલતું. માનવંતી તો વિચારી વિલાયતના રાજા જેવી હતી. મોભો ઊંચો પણ હાથમાં હકૂમત જરાય ન મળે. અમરત એના વડા પ્રધાનની કામગીરી બજાવતી. સત્તાનાં સઘળાં સૂત્રો અમરતના હાથમાં હતાં. પાંચમાં પુછાતા, દેહોદ જેવા આભાશાને પણ આ વિધવા બહેને ઘરવહીવટમાં સાવ મિયાંની મીંદડી જેવા બનાવી મૂક્યા હતા. ઘરની ધારધણી અમરત હતી. અમરતનો પડ્યો બોલ ઝિલાતો. એની આજ્ઞા ઉથાપવાની કોઈની મગદૂર નહોતી. પણ સુલેખાના આગમન પછી અમરતને લાગવા માંડ્યું કે પોતાના કરતાં અનેકગણી પ્રતાપી, પ્રતિભાશાળી અને શીલવંતી વ્યક્તિ આ ઘરમાં પ્રવેશી છે. એની જાજરમાન પ્રતિભા સામે ઘર તેમ જ પેઢીના સહુ માણસો