પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
વ્યાજનો વારસ
 

 અંજાઈ જાય છે. સહુ એની તાબેદારી ઉપાડવામાં ગર્વ સમજતા લાગે છે અને એને મોંએથી થતા હુકમનું પાલન કરવામાં જીવનની ધન્યતા અનુભવાય છે. ભયંકર અભિમાની અમરતથી આ જોયું જતું નથી. પોતાની સત્તાના ગઢમાં સુલેખાએ આવીને ગાબડાં પાડ્યાં હોય એમ એ અનુભવી રહી. એ ગાબડાં પડ્યાં છતાં હજી ગઢ વંકો ઊભો હોવાને કારણે અમરત નિરાશ થાય એમ નહોતી. એણે તાબડતોબ એ ગઢમાં મરામતો માંડી દીધી. રક્ષણ હરોળમાં જ્યાં જ્યાં કચાશ દેખાઈ ત્યાં ત્યાં એણે પાકો બંદોબસ્ત કરી દીધો અને પોતાની હરીફ સુલેખા સામે મજબૂત મોરચો ખડો કરી દીધો.

સમય જતાં વસ્તુસ્થિતિ એવી બની રહી કે સુલેખા એ અમરતની ભત્રીજાવહુ હોવાને બદલે જાણે કે સરખી–સમોવડી નાનેરી દેરાણી હોય એમ અમરતનાં વર્તન ઉપરથી લાગવા માંડ્યું. સત્તાની સોંપણીમાં સુલેખા અમરતને મન એક ડાંભવા અને ટાળવા યોગ્ય હરીફ લાગવા માંડી. અને એ નેમ સિદ્ધ કરવા માટે એણે સમયસર કારવાઈઓ પણ આરંભી દીધી.

અમરતની વ્યૂહરચનામાં ભારે દૂરંદેશી હતી. એણે જોઈ લીધું હતું કે આજ નહિં તો પાંચ વર્ષે, પચીસ વર્ષે પણ આ ઘરનો ખરો ધણી, લાખોની ઇસ્કામતનો, અઢળક વ્યાજનો સાચો તે હકદાર વારસ તો રિખવ જ છે. આભાશા તો હવે પાકું પાન. એ તો આજ છે ને કાલ નથી. એ આથમતા સૂરજને કોણ પૂજે ? માનવંતી તો અમરતની મુઠ્ઠીમાં જ હતી. આભાશા પરણીને આવ્યા કે બીજે જ દિવસે અમરતે માનવંતીભાભીને પારખી કાઢીને ‘સાવ હીરાઢઢી છે’ એવો અભિપ્રાય આપી દીધો હતો. અને એ ઇલકાબનો ઉપયોગ અમરત આજ દિવસ સુધી કરતી આવી હતી. ભાભીને સંબોધવામાં પણ ઘણી વાર અમરત એ ઇલકાબ વાપરતી હતી. પારેવડી જેવી ગભરુ માનવંતી આ મારકણી