પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦


પાત્રાલેખન અને કથાગૂંથણીમાં લેખકની હથોટી સારી દેખાય છે પણ શરૂઆતનાં ચાળીસ પૃષ્ઠમાં રિખવ જન્મીને 'હૈયાહોળી' પ્રગટાવે એવડો મોટો થઈ જાય છે એ બધા સમય દરમિયાન આભાશાનું પાત્ર (જાણે કે ઉંમર પણ) સ્થિર લાગે છે, અને અમરત પોતાના ભાઈને મારી નાખે છે એ પ્રસંગ વર્ણવાયો છે કુનેહપૂર્વક પણ અનિવાર્ય અને તેથી પ્રતીતિકર લાગતો નથી. અમરત અને ચતરભજ 'ભોરિંગે ભોરિંગના લબકારા' પણ વધુ પડતા લાંબા અને વારંવાર ચાલે છે. સત્તાપ્રિય પતિવિહોણી સ્ત્રી અને સત્તાની ચાવી ધરાવતો સેવક એ બે પાત્રોની નિર્જીવ પ્રણય-પટાલકડી ગુજરાતને ફ્રેંચ કથાકારની કૃપાથી શ્રી મનુશીનાં મીનળ—મુંજાલ આદિ દ્વારા હવે તો ખૂબ પરિચિત છે. છતાં ચતરભજના ઓધિયા પાસેથી 'કૂંચી ને કિત્તો હેઠો' મેલાવી દેતી અમરતનું ચિત્ર કર્તાની કલમને જેબ આપે એવું છે. અને એવું આખું પ્રકરણ છે 'બાળા, બોલ દે!'નું ફ્રેંચ કથા શિલ્પી ફૂલૉબેરની નાયિકા માદમ બોવારી અને તેના પ્રેમી વચ્ચે, મેળામાં હરાજી બોલાતી આવી છે. એની જાહેરાતોની વચ્ચેવચ્ચે, પ્રણયોદ્‌ગારોની આપલે થાય છે એ કળાની યાદ; અહીં ભવાઈની વાતની વચ્ચે વચ્ચે પદમશેઠના ખૂનની વાત જે રીતે કહેવામાં આવી છે તે ઉપરથી, આવી જાય છે. પણ સરખામણી જવા દઈએ, પોતાના વાર્તાસંગ્રહ 'ઘૂઘવતાં પૂર'નું ચેખોવ-છોગું લઈને ફરતા આ જુવાન લેખક જ એમની વાર્તાસૃષ્ટિની ભાષામાં કહીએ તો, નજરાઈ ગયા હતા ને? ઇચ્છીએ આ નવલકથા જે સમૃદ્ધ સર્જકતાનો પરિચય કરાવે છે તેને ઉત્તરોત્તર વધુ સારો લાભ ગુજરાતને મળ્યા કરે

[સંસ્કૃતિ, જુલાઈ ૧૯૪૭]