પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૧૩]
એ જામ, એ લબ, એ બોસા !

દિલ્હીની બજારના આવાસોમાંના એકની વિશાળ મેડી ઉપર રંગરાગ ચાલી રહ્યા હતા. મેડીના ચારે ખૂણાને ચપોચપ ચોંટી ગયેલ અસલી જાજમ ઉપર ચારે દીવાલે તકિયા મખુદા અને ગાલમસુરિયાં ગોઠવાઈ ગયાં હતાં. ઠેકઠેકાણે પાનસોપારીની તાસકો અને થૂંકવા માટેની લાંબી નકશીદાર થૂંકદાનીઓ પડી હતી. ભીંતો ઉપર લાંબા લાંબા અરીસા તેમ જ મુગલ શૈલીનાં કેટલાંક આકર્ષક ચિત્રો ટિંગાતાં હતાં. છતમાં ઝાકઝમાળ રંગબેરંગી રોશની પાથરતાં કાચનાં ઝુમ્મર ઝૂલી રહ્યાં હતાં.

બરાબર મધ્યમાં એક ગોળાકાર ગાલીચો પાથર્યો છે. એની ઉપર હસીન નાજનીઓ બેઠી છે. એક પડખે તબલચીઓ હથોડી લઈને તબલાં ઠીકઠાક કરી રહ્યા છે. બીજે પડખે સારંગીવાળા ઉસ્તાદો સારંગીના સૂર મિલાવી રહ્યા છે. બારીક મલમલના લાંબા કૂડતા અને ચાંચવાળી બંકી ટોપીઓ પહેરેલા નોકરો પાનપટ્ટી બનાવી રહ્યા છે.

મધ્યમાં મોટી બારી પાસેના મખુદા ઉપર રિખવ શેઠ બેઠા છે, એમને એક પડખે ઉસ્તાદ ઐયૂબખાનજી છે. બીજે પડખે ઓધિયો અને દલુ બેઠા છે. એક જૈફ આદમી ચાંદીનાં ખોભરાંવાળો હુક્કો ફેરવી રહ્યો છે, એમાંથી દલુ અને ઓધિયો વારાફરતી સટ ખેંચે છે.