પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
વ્યાજનો વારસ
 

 બારે મહિના મજુરી કરવાને બદલે વર્ષમાં મહિનો પંદર દિવસ મહેનત કરીને પછી આરામ કરવાની એમને આદત હતી.

આભાશા આ ગામના શેઠ હતા. એમની પેઢીનું હૂંડીનું ધીકતું કામકાજ ઘટતું ચાલ્યું તેમ તેમ તેઓ ધીરધાર અને ગીરવી કામકાજ તરફ વળતા ગયેલા. એ કામકાજ માટે એમને મીંગોળા ગામ બહુ અનુકૂળ આવી ગયું. લોકો નાણાંની જરૂરિયાતવાળા અને માથેથી અભણ. સો છાણાં સિવાય બીજું કાંઈ ગણતાં ન આવડે. અને એ પણ પાંચ વખત વીસ વીસ ગણે ત્યારે થાય. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચે ફરક તો કોઈ સમજે જ નહિ. નેવું રૂપિયા સ્વીકારીને સોના દસ્તાવેજ ઉપર અંગૂઠો છાપી આપે, એવા ભોળિયા.

વ્યાજખોરીની આ રસમનો ચતરભજે પૂરો કસ કાઢ્યો. આભાશાના એ કમાઉ દીકરાએ બે દાયકામાં તો આ ગામને ભિખારી કરી મૂક્યું. ગામલોકોએ સાચે જ ચુકાદો આપ્યો હતો કે આભાશાનો પહેલા ખોળાનો દીકરો રિખવ નહિ પણ ચતિયો મુનીમ છે.

પાઘડી – પને વસેલા આ મીંગોળાના ગઢની રાંગને પખાળતી પહોળી નદી પાદરમાં થઈને ચાલી જતી. સાચા મૂળવાળી એ નદીના પહોળા પટ વિસ્તારમાં ઠેકઠેકાણે મોટી મોટી પાટ ભરી હતી એમાં ખરે બપોરે ગામ આખાની ભેંસો ગળાબૂડ પડી રહે અને સાંજે છોકરાંઓની ધીંગ નાહવા પડે.

રમઝાન ઈદનો તહેવાર આવી રહ્યો હતો. ગામના માણસોમાંથી જેમને ત્રેવડ હતી એમણે નવી ઇજાર ને નવાં પહેરણ સીવડાવ્યાં હતાં. ત્રેવડ નહોતી એમણે જૂનાં કપડાં ધોઈધોઈને તૈયાર કરેલાં હતાં. એમી અને એની બે નણંદો લૂગડાંનો ગાંસડો વાળીને એક ઊંડી પાટને છીપરે ધોવા આવી હતી. સાથે નાનકડો દીકરો ગુલુ પણ હતો. ગામના છોકરાં સાથે ગુલુ પણ નદીને કાંઠે