પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુલુ
૧૧૭
 

 એમીએ બૂમ પાડીને ગુલુને બોલાવ્યો અને એના પહેરેલ કપડાંની જોડ ધોવા માગી.

ગુલુના ડીલ ઉપરથી પહેરણ ઉતારતાં એના વાંસા ઉપર લીલું લાખું દેખાઈ આવ્યું. તરત એમીને ભૂતકાળનાં સ્મરણો જાગી ઊઠ્યાં અને આંખો કોઈ અનેરી ચમકથી ચમકી ઊઠી.

નણંદોએ ભાભીની આંખમાં ચમક જોઈ અને નવાઈ લાગી. પૂછ્યું :

‘ભાભી શું જોઈ રિયાં છો ?’

‘આ લીલું લાખું.’ ગુલુના વાંસા ઉપર આંગળી મૂકીને એમી અર્ધી અર્ધી થતાં બોલી.

‘તી એમાં આટલાં ગાંડાં કાં થઈ જાવ ? લાખાના ડાઘ તો તો ઘણાંયને ડીલે હોય છે…’

‘સાચી વાત છે. ઘણાયને ડીલે હોય છે.’ એમીએ ‘ઘણાયને’ બોલતાં કોઈ ન સમજી શકે એ લહેકો કર્યો.

નણંદોને ફરી ભોજાઈની વાણી અર્થભરી લાગી. એક જણી બોલી : ‘ઘણાયને ડીલે હોય છે તો પછી ગુલુ ઉપર આટલાં ગાંડાં કાં કાઢો ?’

પણ એમીના કાન આ પ્રશ્ન સાંભળવા તૈયાર નહોતા કારણ કે અત્યારે એ ખરેખર ગાંડી થઈ હતી.

ભૂતકાળના એ બનાવની યાદે એમીનું હૃદય ઉછાળા લઈ રહ્યું હતું. ગુલુને એણે બે બાહુ વચ્ચે બાથ ભરીને દાબી દીધો હતો અને આંખો મીંચીને કશુંક મનોહર દૃશ્ય જોઈ રહી હતી.

નણંદો સાશંક બનીને આ બધું અવલોકી રહી હતી.

થોડી વાર સુધી કોઈ કશું બોલ્યું નહિ. ઊર્મિના આવેશમાં એમી ભાન ભૂલી હતી. નણંદોની હાજરી પણ એ વીસરી ગઈ હતી.

છેવટે એક નણંદે જ પ્રશ્ન કરીને ભોજાઈને જગાડી : ‘ભાભી, એક લાખાના ડાઘ ઉપર આટલાં ઘેલાં…’