પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
વ્યાજનો વારસ
 

 સીમમાંથી એવી રીતે જ મહંતજીએ ઉચાળા ભરાવ્યા છે. સરસામાનનાં ગાડાં ભરીને જમાત દ્વારકાને મારગે ચાલી છે. પગપાળા ચાલતા ઉત્સાહી સાધુઓ આખે રસ્તે ભજન–કીર્તનની ધૂન બોલવતા જાય છે. ગોમતીજીના દર્શનથી થનારો આનંદ તેઓ અત્યારથી જ વ્યક્ત કરી રહ્યા છે :

ગરજે ગોમતીજી કે ગાજે સાગરં
રાજે શામળાજી બાજે ઝાલરં…
સોહે એરશાજી કે સ્વાસી સુંદરં
મણજા ઝળહળે જી કે દીપક મંદરં…
ભગવત રાજીયા છે કે મુજ પર ભૂપતિ
અહતશ ઊતરે જી કે ઉપર આરતી
ગામ દુવારકાજી કે સરિતા ગોમતી
કંથડ લીળિયાજી કે ભાખે કીરતી…

આજે ભજનકીર્તનની ધૂનમાં જમાતે સારો પંથ કાપી નાખ્યો. રણછોડરાયજીના દર્શનના ઉત્સાહમાં યાત્રીઓના પગ પણ ચપોચપ ઊપડતા હતા. રાત પડતાં પહેલાં તો મીંગોળાને ક્યાંય દૂર મૂકી દીધું હતું.

જમાતે ફરી ડેરા નાખ્યા ત્યારે સહુ માણસો તેમ જ ગાડાંના બળદો થાકી લોથ થઈ ગયા હતા.

ઉચાળા છોડતાં છોડતાં એક કૌતુક બની ગયું. ખીચડી રાંધવાના દેગડા ઉતારતાં એમાં કશુંક સળવળતું લાગ્યું. સાધુઓને પહેલાં તો ભય અને પછી આશ્ચર્ય ઊપજ્યાં. સામટા સાધુઓએ સાથે મળીને દેગની અંદર તપાસ કરી તો મોંએ ગાભાનો ડૂચો અને હાથપગે દોરડાથી મુશ્કેટાટ બાંધેલું એક બાળક મળી આવ્યું બંધનગ્રત દશામાં એ જાણે કે ગૂંગળાતું હતું. કોઈ પોચા હૃદયના સાધુથી બાળકની આ યાતના ન ખમાતાં એણે આગળ આવીને બાળકને મોંએ ઠસઠસાવીને બાંધેલો ડૂચો છોડી નાખ્યો