પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોટે મહંત
૧૨૩
 

 અને તરત બાળકે રડવા માંડ્યું.

સાધુઓના ટોળામાં કરતાલ અને કાંસી જોડાંના કર્કશ અવાજોને બદલે આવો કૂણો કોમળ અવાજ ક્યાંથી, એ જાણવા આખી જમાત બાળકને વીંટળાઈ વળી.

હાથપગ છુટ્ટા થતાં બાળક તો આદત પ્રમાણે રમવાકૂદવા લાગ્યું. વાતાવરણની અપરિચિતતા પણ એના ખેલનની આડે ન આવી શકી.

સાધુઓ તો આ કૌતુક જોઈને નાચી ઊઠ્યા. કોઈએ બાળકને કાખમાં તેડ્યું તો બીજાએ પોતાની ખાંધે ચડાવ્યું. એક જણે પોતાના ભગવાનો દડો બનાવી બાળકને રમવા આપ્યો. બીજાએ પોતાની ચલમની ભૂંગળીમાંથી પાવો વગાડીને બાળકને રીઝવવા કરી જોયું. અંગૂઠાના ટાચકા વાગ્યા, બળદની ઘૂઘરમાળા ઘમકી, કોઈએ કમંડળમાં કાંકરા ભરીને ઘૂઘરો પણ પૂરો પાડ્યો. છેવટે સહુ નાચતા–કૂદતા, બાળકને મહંતજી પાસે લઈ ગયા.

બધી વાતથી વાકેફ થયા પછી ભેરવનાથજીએ બાળકને ઝીણી નજરે અવલોકવા માંડ્યું. એના રૂપ, રંગ, બધું તપાસ્યું; નાકે નેણે પણ નીરખી લીધો, ધોળી દૂધ ચાંદનીમાં મહંતજીની નજર બાળકની પીઠ ઉપર પડી અને ચમક્યા. જાણે કે ઘણું ઘણું સમજી ગયા હોય એમ ઘડી વાર તો ઊંડા ચિંતનમાં ડૂબકી મારી ગયા અને પછી અંદરથી તાગ લઈ આવેલા મરજીવાની જેમ એ ચિંતનનો સારમર્મ કહી સંભળાવ્યો :

‘આપણું મહદ ભાગ્ય છે કે આ ભવ્ય જીવ આપણી જમાતમાં ભળ્યો છે. ગુરુ દત્તાત્રેયે જ મોકલ્યો છે એમ સમજજો.’

મહંતજીનો આદેશ સાંભળીને સહુ સાધુઓનો બાળક પ્રત્યેનો આદર વધી ગયો. મહંતજી જેટલાં જ માનપાન આ બાળકને પણ મળવા લાગ્યાં. કોઈક ટીખળી સાધુએ તો એક દિવસ મજાકમાં કહી પણ લીધું : ‘યહ નયા બાલક છોટે મહંતજી હૈ.’ અને ત્યારથી