પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
વ્યાજનો વારસ
 

 રમવા આવતાં એ અટકી ગયાં. લાખિયારને ઘેર થતી માનવંતીની ઊઠબેસ ઓછી થઈ ગઈ. ૨હી માત્ર એક લેણી રકમ માટેની ચતરભજની સતત ઉઘરાણી, અને એ ભરપાઈ કરવાને નિઃસહાય એવા લાખિયારનાં દયાજનક ગલ્લાંતલ્લાં.

લાખિયાર આમ હતો તો સામાન્ય સ્થિતિનો આદમી પણ રોટલે બહુ પહોળો હતો. મહિનામાં ભાગ્યે જ કોઈ દિવસ મહેમાન વિનાનો ખાલી જતો. ઘણાય લોભી માણસો તો લપરા થઈને લાખિયારને ત્યાં પડ્યાપાથર્યા રહેતા. પણ આજના નાક–કટ્ટા ઉજળિયાતોને શરમાવે એવી આ વૃદ્ધ સંધીની દિલેરી અને મહોબ્બત મહેમાનોનો મારો હસતે મોંએ ખમ્યે જતી. આવક ઘટતી ગઈ તેમ તેમ આ જુનવાણી મોભાવાળું ખોરડું ઘસાતું ચાલ્યું. કરજભાર વધતો ગયો. પણ મહેમાનોના આદરસત્કાર અને સરભરામાં શાણી સંધીયાણીએ જરાય ઓછપ આપવા દીધી નહોતી.

લાપસીનાં સદાવ્રતો ચલાવનાર લાખા લાપસિયાના જેવી લાખિયારની આ રહેણી ચતરભજ લાંબો સમય ચલાવી શકે તેમ નહોતો. એના તગાદા તો ચાલુ જ હતા, પણ હવે એમાં કરડાકી અને ડરામણીનો ઉમેરો થયો; એણે જપ્તીની ધમકી આપવા માંડી.

ચતરભજે લાખિયારને સપાટામાં લેવા માટે કોઠું આબાદ ઊભું કર્યું હતું. આજ દિવસ સુધી લાખિયાર અંગેની ચતરભજની વ્યૂહરચનામાં આભાશાની એ કુટુંબ પ્રત્યેની કૂણી લાગણી આડે આવતી. પણ ચત૨ભજે એની સામે સરસ નુસખો યોજ્યો. આભાશાની હવેલી તો આલીશાન હતી પણ રિખવ શેઠનાં લગ્ન પછી રહેણીકરણીમાં જરા ફેરફાર થયા. એકાદ બે ઓરડા સુલેખાએ રોક્યા. વેવાઈ પક્ષના લશ્કરી શેઠના ઘરના મહેમાનોની આવ–જા વધી ત્યારથી આ આલીશાન હવેલીમાં પણ સંકડાશ પડવા લાગી હતી – અથવા કહો કે કાંઈક અંશે ચત૨ભજે એવી અસર ઊભી કરી હતી. સ્વાભાવિક રીતે જ, આ સંકડાશ ટાળવા માટે ચતરભજે લાખિયારના