પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
વ્યાજનો વારસ
 

 પધારશે. ને મારવાની વાત સાંભળશે તો ડેલીએથી જ પાછા વળશે ને કાં અમને સહુને જીવહિંસા ઉપર વ્યાખ્યાન આપશે.’ ચતરભજે આ બહાને વિમલસૂરી તેમ જ આભાશા બન્નેની મશ્કરી કરી લીધી.

‘શાબાપા !’ લાખિયારે આભાશાને ઉદ્દેશીને કહ્યું : ‘મારી નાતમાં મારું નાક કપાઈ ગયું.’

‘હવે તમારે કાંટિયાં વરણને નાકબાક શું ? ઈ તો ઓલી વાળંદની વારતામાં આવે છે એમ નવે નાકે દિવાળી.’

મજાકને લાયક પ્રસંગે નહોતો છતાં ચતરભજે મજાક કરી અને લાખિયારને એ હાડોહાડ ઊતરી ગઈ. બોલ્યો : ‘ચતા બાપા, તમે તમારી મોટપ હાથે કરીને કાં ઓછી કરો ! આવાં વેણ તમ જેવા સાજાની માણહના મોંમાં ન શોભે. મને બળઝળી રહેલ ડોસાને ઠાલા વધારે શું કામ બાળો છો ?’

‘ઓ… હો…હો…’ ચતરભજે લાંબે લહેકે શબ્દ લંબાવીને કહ્યું : ‘આને તો રાણાને કાણો ન કહેવાય ! ભલા, અમે તને શું કાળો–ગોરો કહી નાખ્યો ?’

‘બાપા, તમે મને બે ભૂંડી ગાળ્ય દઈ લીધી હોત તો હું સાંખી લેત. પણ તમે નાકની ઠેકડી કરી. મારી આબરૂ લજવી. સંધીની નાત્ય આખીમાં લાખિયારની આબરૂ લાખની છે. તમે આ ઘરખોરડાં વેંચીને ઈ આબરૂ કાંકરાની કરી મેલી. મારું જીવતર કડવુંવખ થઈ પડ્યું.’

‘શાવકારના દીકરાવ, એવું હોય તો પછી ગજું માપીને ખરચ કરીએ ને ?’ ચતરભજે સંભળાવી જ.

‘બાપા, હવે આજુ ફેરો જરાક રહેમ રાખો ને ખોરડું બચાવો.’

‘એલા, તું પણ ગધેડાને તાવ આવે એવી વાતું કરે છ, તી અમે તી આયાં કણે વેપાર કરવા બેઠા છીએ કે ધરમાદા ખાતું હલાવવા ?’

‘મારા અદા, તમે તો ધરમાદાય ઘણાય કર્યા છે ને કરો છો.