પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૧૭]


ગરનાળાને ત્રિભેટે

મીંગોળાની ધરતી ઉપર મેળો ભરાણો છે. નદીને કાંઠે કબ્રસ્તાન નજીક આવેલી દરગાહના મોલુશા પીરનો ઉરસ છે. નદીને બેય કાંઠે જાણે કે ઘટાટોપ તંબૂ—રાવટીઓ ઊગી નીકળી છે. દેશદેશાવરના વેપારીઓએ અહીં મેળામાં દુકાનો નાખી છે. પ્રાંતેપ્રાંતના કારીગરો પોતપોતાના કસબની ચીજો અહીં વેચવા આવ્યા છે. અમદાવાદી રંગરેજો છે, સુરતી જરીભરતના કસબીઓ છે, લખનૌના ધાતુકામ કરી જાણનાર કારીગરો છે, લાકડા તેમ જ પથ્થરમાંથી કોતરકામ કરનાર શિલ્પીઓ ૫ણ છે. પાટણના પટોળાં, કચ્છની અજરખ, નગરની બાંધણી, શિહોરનાં વાસણો, ધોરાજીના ઢોલિયા, મહુવાનાં રમકડાં બધું જ અહીં વેચાવા આવ્યું છે.

એક જોઈને બીજીને ભૂલીએ એવી આ મેળામાંની દુકાનોની સમૃદ્ધિ છે. માટીથી માંડીને સોનારૂપા સુધીના પદાર્થો ઉપર કરાયેલાં નકશીકામ અહીં જોવા મળે છે. પીરનો ઉરસ હોવા છતાં હિન્દુ વેપારીઓ અને કારીગરોએ પણ આમાં હરખભેર ભાગ લીધો છે. અહીં હાથચાલાકી અને જાદુમંતરના ખેલ કરી જાણનાર ગોરબજાણિયાઓ છે, અંગકસરતના પ્રયોગો કરનાર ખેલાડીઓ છે તેમ જ પક્ષીઓ વગેરેની બોલીની નકલ કરી જાણનાર ઉસ્તાદો પણ છે. મેળામાં એક ખૂણે અઢી ફૂટ ઊંચો પચાસ વરસનો ભિખારી છે, આબેહૂબ માણસ જેવા મોઢાવાળો એક વાંદરો છે, અને એક છેડે દોઢ માથાવાળો બળદ પણ છે. જેના પગમાં લાખોની મિલક્ત