પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગરનાળાને ત્રિભેટે
૧૩૩
 


આળોટે છે એવા લક્ષ્મીનંદનો આ મેળામાં પધાર્યા છે અને ટુકડો રોટી માટે કલાક કલાક સુધી કવાલીઓના બરાડા ખેંચનાર અંધ ફકીરફકરા પણ અહીં આવ્યા છે.

રાતના બે વાગવા આવ્યા હોવા છતાં નદીના બન્ને કાંઠા ઉપર માણસોની હાક બોલ છે. ખરી રીતે તો હવે જ મેળો જામવાનો છે એટલે માણસો વધતા જાય છે. તંબૂઓની સામસામી કતારો વચ્ચેનો પહોળો રસ્તો પણ અત્યારે હૈયેહૈયું દળાતું હોવાથી સાવ સાંકડો લાગે છે. આમ આડે દિવસે તો બિહામણાં લાગતાં નદીનાં ભેંકાર ખોયાણો અત્યારે રળિયામણાં લાગે છે.

બન્ને બાજુના તંબૂઓમાં ગાયિકાઓના તવાયક્‌ ઊતર્યા છે. દિલ્હી જેટલે દૂરદૂરને સ્થળેથી ખ્યાતનામ ગાયિકાઓ અહીં આવી છે. સામટા તંબૂઓમાંથી સંભળાતા સારંગીના સ્વરો એકરસ થઈને વાતાવરણને આહ્‌લાદક બનાવી રહ્યા છે. નદીના ખળખળિયા પ્રવાહનો હળવો કલકલ અવાજ પણ આ સારંગીસૂરો સાથે મૈત્રી સાધી રહ્યો છે.

ગાણાની અકેક તરજ ઉપર સેંકડો રૂપિયાની ન્યોછાવરી કરનાર લક્ષ્મીનંદનો દરેક તંબૂમાં ઊભરાતા હતા. શેઠિયાઓની કદરસનાશી જોઈને ગાનારીઓ બમણા ઉત્સાહથી ગાણાં ગાતી જતી હતી. દૂરદૂરની ઠકરાતો અને જાગીરોના ઠાકોરો અને દરબારો આ જલસો માણવા આવી પહોંચ્યા હતા. શ્રીમંત શેઠિયાઓનો તો પાર નહોતો જ, પણ તે ઉપરાંત રિખવ શેઠ જેવા અનેક રસિકો પણ આવી ચડ્યા હતા.

એક સાવ નાનકડા પણ ઘાટીલા અને દબદબાભર્યા તબૂમાં રિખવ શેઠનો મુકામ હતો. એક આગ્રાની અને એક બનારસની એમ બે ગાયિકાઓએ અહીં ગાણું જમાવ્યું હતું. દેશભરમાં નામી એવા સારંગી બજાવનારાઓ તેમની તહેનાતમાં હતા અને આટઆટલા પંથકમાં નામચીન એવા પ્રેક્ષકો એમની કદરસનાશીમાં હતા પછી શી કમીના રહે ? રિખવ શેઠ રૂપિયાની કોથળીઓ લઈને