પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગરનાળાને ત્રિભેટે
૧૩૫
 


આ રિખવ શેઠની સાથે દલુ અને ઓધિયો તો હોય જ. અકળામણ અનુભવતાં રિખવ શેઠ ઊભા થઈ ગયા અને પોતાના પાસવાનો દલુ – ઓધિયાને સાબદા કર્યા. પણ એ રસિયા જીવોએ અત્યારે જસપર જવાના સૂચનને આવકાર્યું નહિ. તેમણે રસ્તામાંનો ભય આડકતરી રીતે રિખવ શેઠને કહી સંભળાવ્યો અને આટલી મોડી રાતે એ જોખમ ન ખેડવા માટે સમજાવી જોયું; પણ રિખવ શેઠ એકના બે ન થયા.

પહેલાં તો ખુદ રિખવ શેઠનો જ વિચાર એવો હતો કે આખી રાત ગાણાં સાંભળી, સવારે એમીનું મોં જોઈને પછી જસપર જવું. પણ અત્યારે પરિસ્થિતિ બદલી ગઈ હતી. ક્યાંય નહોતી ત્યાંથી સુલેખાની મુખાકૃતિ રિખવ શેઠના માનસમાં સણકા બોલાવી ગઈ. લગ્ન પછીના પ્રથમ મિલને જ તરછોડેલી એ મુખાકૃતિએ અત્યારે ઓચિંતો જ રિખવ શેઠના માનસનો કબજો લઈ લીધો; અને એના પુનર્મિલનની અદમ્ય ઝંખનાએ એમના અણુએઅણુને ઉશ્કેરી મૂક્યું.

બે વિવિધ પ્રકારની લાગણીઓએ મળીને રિખવ શેઠને પશ્ચાત્તાપમાં ડુબાડી દીધા હતા. તડકામાં ધુમ્મસ આગળ એમ રિખવ શેઠના અહમ્ અને અકડાઈ પશ્ચાત્તાપના પુનિત ઝરણામાં ઓગળી રહ્યા હતા. કયું અદૃશ્ય બળ આજે પોતાને સુલેખા તરફ ખેંચી રહ્યું હતું એ તો ખુદ રિખવ શેઠનેય નહોતું સમજાતું. પણ સુલેખાના પવિત્ર ચરણકમળમાં માથું ઝુકાવીને માફી માગવાનું એમને મન થઈ આવ્યું હતું. ક્ષણિક ગુસ્સાના આવેશમાં પોતે તરછોડેલી એ મંગલમૂર્તિ અત્યારે જાણે કે પોતા તરફ તુચ્છકારનું હાસ્ય વેરતી, પતિની પામરતાનો ઉપહાસ કરતી હતી.

રિખવ શેઠ માટે એ ઉપહાસ અસહ્ય હતો. હર ક્ષણે એમનો જીવ ગૂંગળાતો હતો. ક્ષમાયાચના વિના એ ગૂંગળામણ ઓછી નહિ થાય એમ લાગતાં એમણે જસપર પહોંચવાની ઉતાવળ કરવા