પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
વ્યાજનો વારસ
 

 માંડી. પણ દલુ અને ઓધિયાનો જીવ ઉરસમાં હતો. તેમને ગાણાંનો ચસકો લાગ્યો હતો. આવું આહ્‌લાદક અને ઉત્તેજક વાતાવરણ છોડીને ચાલ્યા જવાનું જેને મન થાય એ વ્યક્તિ કાં તો અબુધ, અરસિક અને જડ જેવી હોય, ને કાં હોય ક્ષુદ્ર વાસનાઓનું ઊર્ધ્વીકરણ કરીને સાત્ત્વિકતાની પરમાવધિએ પહોંચેલો કોઈ રસયોગી.

રિખવ શેઠ રસયોગી હતા પણ તપોભ્રષ્ટ થયેલા – ઉર્ધ્વગમનની ક્ષણે અવનતિની ગર્તામાં ગબડી પડેલ એક કમનસીબ રસાત્મા. એ પતન અને અધોગતિની પણ એક અવધ આવી રહી અને અત્યારે ફરી એનું ઊર્ધ્વગમન થવાનું હોય એમ લાગતું હતું. સુલેખા પ્રત્યે પાષાણ – સમ બની ગયેલું રિખવ શેઠનું દિલ પાશ્ચાત્તાપમાં પીગળી રહ્યું હતું.

નદી કાંઠેનો રૂખડો વટાવતાં સહુના દિલમાં ભયની એક આછી ધ્રુજારી પસાર થઈ ગઈ.

રિખવ શેઠને ભૂતકાળનાં સ્મરણો સતાવતાં હતાં. કેસરિયાજી ઉપર ભોગાસનનાં શિલ્પનું નિરીક્ષણ કરતાં પકડી પાડેલી સુલેખા અત્યારે કેમે કરી મનમાંથી ખસતી નહોતી. તરંગધ્રૂભંગા ક્ષુભિત વિહગ શ્રેણિરસના… વિકર્ષન્તી ફેનં……

એક પછી એક દૃશ્ય ઝડપભેર બદલતાં જાય છે. પદ્માપયોધરતટી પરિરંભ્રલગ્ન… કાશ્મીર મુદ્રિત્તમુરો મધુસૂદનસ્ય… રસકવિની એ પંક્તિઓ ઉપર થયેલી પરસ્પર રસચર્ચા……

…અને છેલ્લે ‘પ્રિયા મુખોચ્છ્‌શ્વાસ વિકમ્પિતં મધુ’ માટેનો પોતાનો દુરાગ્રહ યાદ આવ્યો. એ અકેકી યાદ દિલમાં હુતાશન પ્રગટાવતી હતી. એ ઉરદાહનું શમન તો સુલેખા જ કરી શકે, બીજું કોઈ નહિ, નહિ એમી, નહિ કોઈ હસીન નાજની, નહિ કોઈ કિન્નરકંઠી ગાયિકા…

આવી સમજથી રિખવ શેઠ જસપરને મારગે આગળ વધી રહ્યા છે. મેઘલી રાત જામી છે. માણસનાં માથેમાથાં ને સૂઝે