પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
વ્યાજનો વારસ
 

 જસપરને મારગે દોડતો ઊપડ્યો. એનો ઉદ્દેશ આભાશાને બનાવની જાણ કરીને તાબડતોબ વાહન અને દવાદારૂનો બંદોબસ્ત કરવાનો હતો.

આ અણધારી આપત્તિથી ડઘાઈ જઈને દલુ રિખવ પાસે બેઠો.

ઊંડા જખમને કારણે રિખવ શેઠને કશી વાતચીત કરવાના હોશ રહ્યા નહોતા. અસહ્ય વેદનાને લીધે તેઓ આછા આછા ઊંહકારે કણસી રહ્યા હતા.

મેઘલી અંધારી રાતે કાચી છાતીનો દલુ થરથર કંપતો આ ઘાયલ માણસની પહેરેગીરી કરતો હતો.

રિખવ શેઠના વેદનાભર્યા ઉંહકારામાંથી થોડી વારે અસ્પષ્ટ અક્ષરો સંભળાયા :

‘પા……ણી’

બનેલા બનાવથી ડઘાઈ ગયેલો દલુ કશું સમજી શક્યો નહિ.

કણસતા રિખવ શેઠનો ફરી વધારે વેદનાભર્યો સ્વર સંભળાયો :

‘પાણી……પાણી……’

હેબતાઈ ગયેલો દલુ હવે સમજી શક્યો. પણ પાણી લાવવું ક્યાંથી ? વોંકળાના ગરનાળાને કાંઠે જ રિખવ શેઠ પડ્યા હતા પણ સૂકા વોંકળામાં વેકુર સિવાય બીજું કાંઈ નહોતું. સદ્‌ભાગ્યે આ ત્રિભેટેથી જ મીંગોળાની નદીનો માર્ગ ફંટાતો હતો. જઈને પાણી લાવવાનો વિચાર કર્યો.

‘જરાક ખમો તો ગામમાં જઈને પાણી ભરી આવું.’ દલુએ કહ્યું : ‘ઓધિયો મામાને તેડવા જસપર ગયો છે. હમણાં ગાડું કે ઘોડાં લઈને બધાં આવી પૂગશે. હું ગામમાં જઈને કળશિયો ભરી આવું.’

બીકણ અને બાયલો ગણાતો દલુ પણ આપદ સમયે કાઠી