છાતી કરીને નદીને મારગે પડ્યો.
અર્ધ બેશુદ્ધ અવસ્થામાં રિખવ શેઠ ‘પાણી… પાણી’ રટણ કર્યા કરતા હતા.
થોડી વારે ઉપરગામના મારગ ઉપરથી પાછલી રાતની નીરવ શાંતિમાં સમૂહગાનનો આછો આછો અવાજ સંભળાવા લાગ્યો :
જાગી શકો તો નર જાગજો…
હો જી એકાંત ધરોને આરાધ…
ગરવો આલા ગતને બેસણે હો…જી..
સૃષ્ટિની રહસ્યમયતાના ચિન્તન માટે અનુકૂળ ગણાતા રાતના પહોરે એકાંતનો–અલખનો–ગેબનો આરાધ ગવાતો હતો :
હનુવો જતિ વાયક ફેરવે…
અંજની પુતર આગેવાન,
એ… જી… વીરા પાંચ ક્રોડે પ્રહલાદ આવશે
ને સાત ક્રોડે હરચંદ રાય :
નવ ક્રોડે જેસલ જાનૈયો
ને બાર ક્રોડે બળરાય.
જાગી શકો તો નર જાગજો…
હોજી એકાંત ધરોને આરાધ…
યાત્રાળુઓના સંઘનું એ સમૂહગાન વધારે ને વધારે નજદીક આવતું જતું હતું.
એ… જી લીલુડે ઘોડે સાયબો આવશે
ને ઉપર સોનેરી પલાણ :
માતા કુન્તા ને સતી ધ્રુપતિ
બેઠાં દેવને દુવાર……
હજી છેક શુદ્ધિ ન ગુમાવી બેઠેલ રિખવ શેઠને કાને આ ઘેરે રાગે ગવાતા સ્વરો અથડાતા હતા :