પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૧૮]
મોભી જતાં

રિખવ જતાં આભાશાના ઘરનો મોભ તૂટી પડ્યો. આખી શેરીનું જાણે કે નૂર ઊડી ગયું. ઘરનાં તેમ જ બહારનાં સહુ માણસો ઝાંખાંઝપટ થઈ ગયાં. ગામની રોનક ચાલી ગઈ હોય એવું લાગવા માંડ્યું.

મોભીના મરણાએ આભાશાના ગોકુળિયા જેવા સુખી ઘરનો માળો વીંખી નાખ્યો. અઢળક ઇસ્કામત અને દોમદોમ સાહ્યબીનો ભોગવનારો ચાલ્યો જતો એ બધી જાહોજલાલી કડવી ઝેર જેવી થઈ પડી.

સુલેખા તો તરછોડાઈ ત્યારથી જ એનું જીવન બિનબસૂરું બની ગયું હતું. પણ રિખવ જતાં તો એ બિનનો તાર તૂટી ગયો, જે ફરી સાંધી શકાય તેમ નહોતો. ખોટકાયેલા વાદ્યનો ભંગાર જોઈને જ હવે તો સુલેખાએ જિંદગી પૂરી કરવાની રહી.

અમરત હજીય ભત્રીજાના મૃત્યુ માટે મિશ્ર લાગણીઓ અનુભવી રહી હતી. લોહીની સગાઈ પૂરતો એને અલબત્ત, શોક થતો હતો; પણ આ લાખોની મિલકતના વારસ તરીકે કાલ સવારે રિખવનું સ્થાન દલુ લિયે એવું દૂરદૂરનું દિવાસ્વપ્ન પણ એ અનુભવી રહેતી.

આભાશાના વંશના વારસ માટે હવે વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી. આજ દિવસ સુધી રિખવને આવતી કાલનો રાજા ગણીને અમરતે એને રીઝવ્યો હતો અને સુલેખાને ઉવેખી