પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોભી જતાં
૧૪૫
 

 રફતે રફતે અમરતને કાને વાતો આવવા માંડી કે અભાશાની સઘળી માલમિલકત લશ્કરી શેઠ હાથ કરવા માગે છે અને એ નેમ બર લાવવા માટે સુલેખા પોતાના ભાઈ ગૌતમના છોકરા શ્રીપાલને દત્તક લેવાના મનસૂબા સેવી રહી છે. અમરત તો આ સાંભળીને ડંખીલી નાગણની જેમ છંછેડાઈ ઊઠી. વળી હમણાં હમણાંનું સુલેખાનું વર્તન પણ અમરતના ઉશ્કેરાટને વધારી રહ્યું હતું. આજ દિવસ સુધી આખા કુટુંબ ઉપર સુલેખાનું સાંસ્કારિક વર્ચસ્વ તો હતું જ. હવે એમાં એનું આર્થિક વર્ચસ્વ ઉમેરાયું. આ બન્ને પ્રકારની સરસાઈનો સુલેખા સિફતપૂર્વક અમલ કરતી હતી. એ બોલતી બહુ ઓછું; પણ એ મૌન જ અજબ અસરકારક બની રહેતું. એ હુકમ પણ ભાગ્યે જ કરતી; પણ એથી જ એની આજ્ઞાના અક્ષરેઅક્ષરનું વજન પડતું અને એ આજ્ઞા ઉઠાવવા માટે સહુ ખડે પગે તૈયાર રહેતા. એ કોઈને ઠપકો તો ક્વચિત જ આપતી; પણ સુલેખાને મોંએથી ઠપકો સાંભળવામાં પણ ઘરનાં તેમ જ પેઢીનાં માણસો સાર્થકતા અનુભવે એવો એનો પ્રભાવ હતો. સુલેખા શાન્ત તેજે ઓપતી સામ્રાજ્ઞીની જેમ આ ઘરમાં વર્તી રહી હતી.

બીજી તરફ અમરત રોમેરોમ ઈર્ષાથી સળગી રહી હતી. એને મન સુલેખા એક ટાળવા યોગ્ય હરીફ હતી. અને એમાં જ્યારે એને જાણવા મળ્યું કે સુલેખા પોતાના ભત્રીજા શ્રીપાલને ખોળે બેસાડીને સામટો દલ્લો હાથ કરી લેવા માગે છે ત્યારે અમરતે એ સમાચારની સત્યાસત્યતાનો વિચાર સરખો કર્યા વિના, સુલેખાના એ મનસૂબાને મહાત કરવા પોતાના પ્રયત્નો આરંભી દીધા.

અમરતની શંકાઓને મજબૂત બનાવનાર બીજું પણ એક કારણ મળી આવ્યું. આભાશાનો દુશ્મન પિત્રાઈ જીવણશા કાંઈ