પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
વ્યાજનો વારસ
 

 પણ દેખીતા પ્રયોજન વિના હમણાં, બેત્રણ વાર લશ્કરી શેઠને ત્યાં મહેમાન બની આવ્યો હતો. એની અવરજવરે જ લશ્કરી શેઠના પુત્રોમાં સળવળાટ પ્રેર્યો હોય એમ અમરતને લાગ્યું, દત્તક લેવાનું સુલેખાને સમજાવનાર આ કાળમુખો જીવણશા જ છે એમ આભાશાને પણ અમરતે ઠસાવી દીધું. અને સાથેસાથે અમરતે મોટાભાઈને એ પણ ઠસાવી દીધું કે નખ્ખોદિયા જીવણિચાની કારવાઈઓ આગળ વધે એ પહેલાં જ આભાશાએ એવું પગલું લઈ લેવું કે એ દોણાફોડની બધી જ ચાલબાજીઓ ઊંધી વળે અને સુલેખાના મનસૂબા પણ ધૂળમાં મળે.

એ પગલું કયું, એ સમજવું આભાશા માટે અઘરું નહોતું. આભાશાને ઘેર હજી પણ પુત્રજન્મ થઈ શકે તો ઘીના ઠામમાં ઘી પડી રહે અને સુલેખા અને સહુ દુશ્મનો આંગળાં કરડતાં જ બેસી રહે. પણ એમ બની શકે ખરું ? એમ બનવું કેટલે અંશે શક્ય હતું તે તો અમરત, માનવંતી અને જેઠી સુયાણી ત્રણ જ જાણતા હતાં. જેઠી સુયાણીએ રિખવના જન્મ વખતે ચુકાદો આપ્યો હતો કે માનવંતીની કૂખે હવે પછી બાળક અવતરી શકશે જ નહિ.

પણ આટલા ઉપરથી અમરત કે આભાશા નિરાશ થાય એમ નહોતાં. વસ્તુત: પુત્ર કરતાંય વધારે તો એમને પૈસાની પડી હતી. આટલું અઢળક નાણું પેલી પારકી જણીના પિયરિયાંના હાથમાં જતું અટકાવવાની જ એમની ઈચ્છા હતી. અને એ ઇચ્છા બર લાવવા માટે તેઓ આકાશપાતાળ એક કરી છૂટે એવા સ્વભાવનાં હતાં.

રિખવની હયાતી દરમિયાન પણ ઘણી વાર સ્ત્રી વર્ગમાં વાસણ ખખડી ઉઠતાં પણ એના મૃત્યુ પછી ઘરમાં કલેશકજિયાનું પ્રમાણ વધ્યું હતું. આજ દિવસ સુધી માનવંતી અને સુલેખા વચ્ચે સાસુ–વહુના સંબંધો હતા. હવે એમનો વ્યવહાર સરખા – સમોવાડિયાં જેવો બની ગયો હતો. સુલેખાની ઘણી ટેવો અને રહેણીકરણી માનવંતીને પસંદ નહોતી : દાખલા તરીકે રિખવની