પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોભી જતાં
૧૪૭
 

 હયાતી દરમિયાન શાસ્ત્રી માધવનંદજી તેમ જ ઉસ્તાદ ઐયૂબખાન પાસેથી સુલેખા સંગીતની તાલીમ લેતી હતી એ પ્રત્યે માનવંતીને અણગમો હતો, પણ રિખવના મૃત્યુ પછી સુલેખાએ સંગીતનું શિક્ષણ લેવાનું ચાલુ રાખ્યું એ સામે તો માનવંતીએ રીતસરની સૂગ જ કેળવવા માંડી હતી. પણ વિધવા પુત્રવધૂને હરેક વાતે રાજી રાખવાના આભાશાના આગ્રહ પાસે માનવંતીના આ વિરોધનું કશું ઊપજતું નહોતું.

વળી, સુલેખા જે શાંત તેજે પ્રકાશીને આખા ઘર ઉપર પ્રભાવ પાડી રહી હતી તેથી પણ માનવંતી દાઝતી હતી. એને થતું હતું કે આ કાલ સવારે ચાલી આવનારી છોકરડી મારું સ્થાન પડાવી રહી છે.

આવી સ્થિતિમાં માનવંતીને લાગ્યું કે સુલેખા જો કોઈને ખોળે બેસાડે તો તો ખોળે બેસનાર જ આ ભર્યાભાદર્યા ઘરનો મોભી બની રહે અને મને તો પછી આ જોરૂકી વહુ એક ફૂંક ભેગી જ ઊડાડી મૂકે.

માનવંતીનું આ દ્વેષભર્યું માનસ અમરતને પોતાની કારવાઈઓમાં બહુ અનુકૂળ આવી ગયું. અમરતે એક દૂરદૂરની નેમને લક્ષમાં રાખીને માનવંતીનું પડખું સેવવા માંડ્યું. દાવ આવ્યે સોગઠી મારવાનું એણે મનશું નક્કી કરી રાખ્યું હતું.

એ સોગઠી મારવાનો દાવ પણ આવી પહોંચ્યો. પોતે બિનવારસ હોવા બદલ માનવંતી એક દિવસ વિમાસણ અનુભવી રહી હતી. આખો દિવસ એણે રોઈરોઈને વિતાવ્યો હતો. છેવટે એણે અમરતનો સહારો શોધ્યો. વારસનો પ્રશ્ન શી રીતે ઉકેલવો એ અંગે માનવંતીએ નણંદની સલાહ માગી.

‘એમાં મને શું જોઈને પૂછતી હોઈશ ? તારામાં દોકડાનીય અક્કલ બળી હોત તો આજ પહેલાં કેદીયનું બધું ગોઠવાઈ ગયું હોત.’ અમરતે વાતને વળમાં ઘાલી.