પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
વ્યાજનો વારસ
 

 વેવિશાળ કરવાની વાત ચાલતી હતી. સારો મુરતિયો શેાધી આપવાની વિનંતિ કરતા બેત્રણ પત્રો પણ આભાશા અને માનવંતી ઉપર આવી ગયા હતા. એક દિવસ ઓચિંતો જ માનવંતીને વિચાર આવ્યો કે મારા તો પગ પાસે જ ગંગા વહે છે ને હું આવી ને આવી કાં ભટકું ? આભાશા વેરે નંદનને જ કાં મારી જગ્યાએ ન ગોઠવી દઉં ? સગી બહેનને પેટે જે જણ્યાં અવતરશે એ તો મારાં જ જણ્યાં ગણાયને ? ને આટલી લાખોની લક્ષ્મી પારકે હાથે પડતાં તો બચશે ! અમરતબા તો પરાણે પોતાનાં દલિયાને મારે ખોળે ઠોકી બેસાડવા તૈયાંર બેઠાં છે. ને ચતરભજની પણ અંદરખાનેથી દાનત તો ખોરી ટોપરાં જેવી લાગે છે. રેઢાં તો રાજપાટ પણ લુંટાઈ જાય. તો હજી ક્યાં આભાશા એવડા મોટા થઈ ગયા છે કે પારકાને જ ખોળે લેવાં પડે ? ને એવાં પારકાં જણ્યાં કોને ખબર છે, વંશવેલો ઉજાળે કે ઉખેડે ? પારકાં મેરાયાંના તેજમાં કોઈ ઠર્યા હોય એમ સાંભળ્યું છે ક્યાંય ?… આવી આવી ગણતરીઓ કરીને માનવંતીએ આભાશા સમક્ષ નંદનના વેવિશાળ માટેનો દાણો દાબી દીધો.

આભાશાને પણ આ સૂચન ગમ્યું તો ખરું, પણ એને અમલમાં મૂકવાનું કાર્ય સહેલું નહોતું. એની યોગ્યાયોગ્યતા અંગે નિર્ણય કરવા માટે એમને ફરી વિમલસૂરીનું શરણું શોધવું પડ્યું.

રિખવનાં મૃત્યુ પછી વિમલસૂરી જેવા સમકીતધારી સાધુનું ચિત્તતંત્ર પણ ડહોળાઈ ગયું હતું. રિખવને હજી એક ગ્રહની નડતર હોવા છતાં સુલેખા સાથે એનાં લગ્ન કરવા માટે આભાશાના આગ્રહથી પોતે મભમ અનુમતિ આપી દીધેલ, એ બદલ વિમલસૂરીનો અંતરાત્મા ડંખી રહ્યો હતો. આવી સંતપ્ત મનોદશામાં જ્યારે આભાશા પોતાના પુનર્લગ્ન માટે સૂરીજીની સંમતિ લેવા આવ્યા ત્યારે પહેલાં તો એમને બહુ ઉષ્માભર્યો આવકાર ન મળ્યો. પણ આભાશાએ જ્યારે આજીજીપૂર્વક સૂરીજીની સલાહ માગી ત્યારે