એમણે કહ્યું :
‘આવી બાબતોમાં અમે તો ઉપનિષદકારોના મતને માન્ય ગણીએ છીએ. ધનલક્ષ્મી, સંપત્તિ કે સામ્રાજ્ય એ બધાં ઉપર કોઈ વ્યક્તિનો હક હોઈ જ ન શકે. વ્યક્તિ એ બધું સાચવવામાં સફળ ન થાય. એની સાચી માલિકી તો લોકોની છે… લોકબ્રહ્મની છે. તમે તો નિમિત્ત માત્ર છો શાહ ! લક્ષ્મીને ચંચળ અમસ્તી નહિ કીધી હોય !’
‘પણ જીવતાં જીવોથી પરિગ્રહો છૂટતા નથી. એનું કેમ કરવું ?’
‘સંસારી અને સાધુ વચ્ચે ત્યાં જ ફેર પડે છે ને ! અમે મમત્વના બંધનમાંથી મુક્ત થયા છીએ. તમે એ બંધનમાં વધારે ને વધારે બંધાતા જાઓ છો…’
‘સંસારના ધર્મોનું પાલન કરતે છતે પણ સાધુત્વ કેળવી શકાય છે એમ તો આપ વારંવાર વ્યાખ્યાનમાં કહો છો.’
‘હા, ગૃહસ્થી માટે પણ બાર વ્રતો રાખ્યાં જ છે. માણસ એટલું પાળી શકે તો પણ સહેલાઈથી તરી જાય.’ વિમલસૂરીએ કહ્યું. પછી થોડી વાર મૂગા રહી, વિચાર કરીને ઉમેર્યું : ‘પણ આવી નાજુક બાબતમાં તો મારી પાસે હા કે ના કહેવડાવીને રાવઈ ન બંધાવશો.’
‘એમ તે હોય, ભગવન્ત ? આજ આટઆટલાં વરસથી આપ મારા ગુરુ–સ્થાને બિરાજીને મને ભવાટવિમાં માર્ગ ચીંધતા આવ્યા છો. તો આજે મને માર્ગદર્શન નહિ કરાવો ?’ આભાશા રગીરગીને બોલતા હતા.
‘જુઓ શાહ, ગૃહસ્થીએ એકપત્નીવ્રતનું પાલન કરવું જોઈએ. પણ તમારી પરિસ્થિતિ જુદી છે. તમારે ભોગવિલાસ માટે નહિ પણ પ્રજાતંતુને અવિચ્છિન્ન રાખવા બીજી પત્ની કરવાની જરૂર ઊભી થઈ છે. પિતાની મનકામનાઓ તેમ જ જનકલ્યાણની અધૂરી