પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ગોરીનો નાવલિયો
૧૫૫
 

 તોય છેવટે તો હું થકી જ એ આ ઘરની રાણી થઈ છે ને ? હું ન હોત તો એ પણ અહીં ક્યાંથી આવી શકી હોત ? કાલ સવારે નંદનને પેટે દીકરો અવતરશે અને બધી લીલાલહેર થઈ જાશે. ને આ બધી માલમિલકત હાથ કરવાને ટાંપી બેઠેલાઓ હાથ ઘસતા રહેશે. રિખવ જેવો રિખવ મને રઝળાવીને ચાલ્યો ગયો પણ નાનકડી નંદન કાલ સવારે એની ખોટ પૂરી દેશે.

શરૂઆતનાં વર્ષોમાં તો માનવંતી આવાં સપનાંના કેફમાં જિંદગી ખેંચી ગઈ પણ પછી જેમ જેમ એ સપનાં તૂટવા લાગ્યાં તેમ તેમ એનું જીવન અકારું બનવા માંડ્યું. પહેલું સપનું એ તૂટ્યું કે નંદન આ ભવમાં તો માતૃત્વપદ પામી શકે એમ નથી જ. આ જ્ઞાન થવું એ માનવંતી ઉપર એક અસહ્ય ફટકા સમાન હતું. આભાશા વારસવિહોણા જ રહેશે એ હકીકતની જાણ થતાં માનવંતી આકુળવ્યાકુળ થઈ ગઈ. દળીદળીને છેવટે ઢાંકણીમાં જ ઊઘરાવ્યા જેવી વિમાસણ એ અનુભવી રહી.

નંદનને આવા સુખી ઘરની શેઠાણી બનાવવાનો મહદ્ ઉપકાર પોતે કર્યો છે એ કારણે નંદન જીવનભર મારી ઓશિયાળી થઈને મારા દાબમાં રહેશે એવી માનવંતીની અપેક્ષા પણ નાની બહેને થોડા સમયમાં જ ખોટી ઠેરવી. જે ઘડીએ નંદનને જ્ઞાન થયું કે પોતે માતા બની શકે એમ નથી અને પોતાને આ ઘરમાં એક ઢીંગલીની જેમ જ જીવન વિતાવવાનું છે, તે ઘડીથી જ મોટી બહેન પ્રત્યેનું નંદનનું વર્તન બદલી ગયું. હવે પછી એ ઉપકારના ભાર તળે દબાયેલી આજ્ઞાંકિત અને કહ્યાગરી નાની બહેન મટીને, પોતાને ફસાવનાર માનવંતી પ્રત્યે વેર વાળી રહેલી ક્રોધિત ચંડી બની ગઈ. વાતેવાતમાં એ માનવંતીને વડછકાં ભરતી, ઝઘડી પડતી, પોતાને અહીં ઘસડી લાવવા બદલ મોટી બહેન ઉપર શાપની ઝડી પણ વરસાવતી અને છેવટે બન્ને બહેનો પોક મૂકીને રડતી,

રિખવ શેઠની યુવાનીના મધ્યાહ્‍નકાળમાં જે ઘરની રિદ્ધિસિદ્ધિ