પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાકર વહેંચો !
 

ખમતીધર છે. શેર માટીથી શું વધારે છે ગાડાંમોઢે વ્યાજ ઉપજી રિયું છે ઈ ઈસ્કામત શેર માટી વિના શું કામની છે? વ્યાજનો વારસો સોંપવા સારુંય કોક જોશે તો ખરું ને?'

આભાશા અને મુનીમ ચતરભજ વચ્ચેની વાતચીતમાંથી ત્રુટક ત્રુટક શબ્દો સંભળાતા હતા :

'નામજોગી ત્રણ... આઠસેંની.'

'નિશાનજોગી એક, રૂપિયા હજારની.'

'ધણીજોગ છ... પચ્ચા પચ્ચાના કટકા....'

'શાહજોગી એક રૂપિયા સત્તાવીસેંની.'

'જત અતરેથી રાખ્યા રૂપિયા છ હજાર તે ત્રણ હજારના બમણા... લખી મિતિથી બાર મહિને તમને શાહજોગ આપવા છે...'

'લખિતંગ શાહ, આભા દેવશીના જય જિનેંદર...'

હૂંડીઓનું કામકાજ પત્યા પછી ચતરભજે ગીરોખતનો ચોપડો હાથમાં લીધો; પણ આડે દિવસે વેપારમાં ગળાબૂડ તલ્લીન થનારા આભાશાનું દિલ આજે વેપારની કે વ્યાજની કોઈ વાતમાં પરોવાતું નહોતું. મુનીમ પોતાની મેળે જુદા જુદા કળનાં નામ અને ગીરોના પ્રકાર વગેરે વાંચી જતા હતા તેમાંથી 'જામીનખત', 'કાટકબાલા', 'ઝરપેશગી,' 'આંગઉધાર' વગેરે વગેરે શબ્દોને આભાશા યંત્રવત્ હા–હોંકારો ભણ્યે જતા હતા.

મુનીમે પોતાની આદત વિરુદ્ધ જઈને પણ ચોપડામાંથી જરા ઊંચી નજર કરીને રસ્તા ઉપર જોયું. અને બોલી ઉઠ્યો :

'ધમલો ધોડતો આવે છે !'

આભાશાની છાતીમાં થડકારા વધી ગયા.

ધમલો હાંફતે શ્વાસે બારણામાં આવીને ઊભો રહ્યો. શુભ સમાચાર કયા શબ્દોમાં રજૂ કરવા એની ગડમથલ અનુભવતો હોય એમ એના હોઠ ઊઘડી ઊઘડીને પાછાં બિડાઈ ગયા.

આભાશાએ જ ધમલાની અસ્વસ્થતા ઓછી કરી :