પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ગોરીનો નાવલિયો
૧૫૭
 


ધીંગામસ્તી કરતાં બાળકોને ટીકીટીકીને નીરખી રહેતી, પણ એમાંના એક્કેયની મુખરેખા પોતાના ચિત્રમાંના પાત્રની મુખરેખા સાથે સમવેત થતી લાગતી નહિ. તરત મન:ચક્ષુ સમક્ષ રિખવની મુખાકૃતિ આવી ઊભતી અને સુલેખા આંખો મીચીને જાણે કે હૃદયના કોઈ આન્તરચક્ષુ વડે એ મનોમૂર્તિના દર્શનનું પાન કર્યા કરતી.

ઘરમાં થતા હરહમેશના કલહ–કંકાસથી કંટાળીને સુલેખા આપમેળે જ લાખિયાર વાળા મકાનમાં રહેવા લાગી તેથી માનવંતી અને નંદનને જતે દહાડે એક ભારે અનુકૂળતા થઈ ગઈ. થોડાં વર્ષો પછી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે માનવંતી અને નંદનને એકબીજીનાં મોં જોવાનું પણ અકારું લાગવા માંડ્યું. બન્ને બહેનોની આંખો લઢતી હતી. બોલવાનો વ્યવહાર તો ઘણા વખતથી બંધ પડ્યો હતો, પણ હવે તો એકબીજીની આડે ઊતરવાનો પણ એમને અણગમો થવા લાગ્યો. એકનો ઓછાયો બીજીથી સહન નહોતો થતો. આવી કફોડી સ્થિતિ ટાળવા માટે શરૂશરૂમાં તો અમરતે અડુક – દડુકિયાની કામગીરી બજાવી જોઈ; પણ વખત જતાં આ એક જ માની જણી બે બહેનોએ વચ્ચે દુભાષિયાની દરમિયાનગીરી પણ નિષ્ફળ નીવડી. બન્ને બહેનોએ ચૂલા તો અલગ અલગ માંડ્યા જ હતા. પણ પછી તો પેલા કણબી લોકોના સામુદાયિક વિવાડાની કતારબંધ ખોડાયેલી ચોરીઓમાં એકના ધુમાડા બીજીમાં જતા અટકાવવા પડે છે એવી જ અટકાયતની આવશ્યકતા આ ઘરના ચૂલાઓના ધુમાડા માટે ઊભી થઈ.

સદ્‌ભાગ્યે આ અલીશાન હવેલીની બાંધણી કરાવનારા આભાશાના પૂર્વજે કદાચ આગમ-મતિથી જ આ મકાનમાં બધી બેવડી બેવડી સોઈ કરી મૂકી હતી. બન્ને બાજુ સરખી જ સંખ્યામાં ઓરડા, બે રસોડાં, બે બેઠકો, બે કોઠાર, બે છૂપાં ભંડકિયાં વગેરે તો હતાં જ. પણ આખા મકાનને આવરી લેતી આગલી પરસાળ