પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
વ્યાજનો વારસ
 


એક જ હોવાને કારણે એકબીજીના ચૂલાના ધુમાડા પરસાળ વાટે થઈને વળોટી જતા અને એ ધુમાડો જ જાણે બેય બહેનોનાં હૃદયમાં ધૂંધવાતા વૈરાગ્નિને વધારે પ્રજવાળતો. પિયરિયાં સગાંઓએ આ સગી બહેનો વચ્ચે સમાધાન કરાવવાના બહુ બહુ પ્રયત્નો કરી જોયા; પણ માનવંતી અને નંદનનો વિચાર તો વધુમાં વધુ ઝેર માના પેટમાં જ હોય એ કહેવત માટે નવું ઉદાહરણ પૂરું પાડવાનો હતો. ભલેચૂકેય એમની ચાર આંખ મળી જતી તો બેય પક્ષ તરફથી ગાળોનો વરસાદ વરસતો. નંદનની ફરિયાદ એ હતી કે માનવંતીએ મારી જિંદગી ધૂળધાણી કરી. આ આક્ષેપ સાથે માનવંતી તરફનો રદિયો છેવટે એટલી હદે પહોંચ્યો કે વાંઝણી નંદને આવીને મારા ધણીને વારસ વગરનો રાખ્યો છે.

વખત જતાં વસ્તુસ્થિતિ એટલી તો વણસી ગઈ કે બન્ને બહેનોને એકબીજાના ઓછાયા ઝીલવા ન પડે એ માટે પરસાળ વચ્ચે આડી દીવાલ ચણાવીની લેવાની આભાશાને ફરજ પડી.

પરસાળ વચ્ચે દીવાલ ચણાવીને મકાનની આવી બેહૂદી વહેંચણી કરવાનો બનાવ ગામ આખામાં ટીકાપાત્ર અને હાસ્યપ્રેરક બન્યો. આભાશાની એક વખતની આકાંક્ષા તો એવી હતી કે રિખવ પછી પોતાને બીજો પુત્ર થાય તો જતે દહાડે બન્ને ભાઈઓ પરસાળ વચ્ચે એક દીવાલ ચણીને મકાનની વહેંચણી કરી લિયે. બે પુત્રોને બદલે બે પત્નીઓ માટે એ યોજના અમલમાં મૂકવી પડી એ માટે આ બે ગોરીનો નાવલિયો ઘણી વેળા કોઈ ફિલસૂફને શોભે એવું કારુણ્યભર્યું હાસ્ય અનુભવી રહેતો.

*