પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
વ્યાજનો વારસ
 


વાતની પ્રતીતિ અમરતના શંકાશીલ માનસમાં બહુ મોડી મોડી થઈ શકી; અને એ પ્રતીતિ થઈ ત્યારે તો એટલું મોડું થઈ ગયું હતું કે માનવંતીએ ગૂંચવેલું આભાશાના કુટુંબનું કોકડું ઉકેલાવું અશક્ય થઈ પડ્યું, સુલેખા પોતાના ભાઈ કે ભત્રીજા કોઈને પોતાને ખોળે બેસાડવા નહોતી જ માગતી એની ખાતરી થતાં અમરત એક જાતની ભોંઠપ અનુભવી રહી. અને એ ભોંઠપના વિચિત્ર પ્રત્યાઘાત રૂપે એ એવું ઇચ્છી રહી કે સુલેખાએ લશ્કરી શેઠના કોઈ બાળકને ખોળે લીધો હોત તો ઘણું સારું થાત ! પણ એ તો, સુલેખાની વીતરાગી પ્રકૃતિને લીધે અશક્ય લાગતાં એનો, અંતિમ પ્રત્યાઘાત એ થયો કે મારો દલુ જ આ ઘરનો સાચો અને યોગ્ય વારસ છે.

રિખવના મૃત્યુ પછી ઓધિયાની સંગત ઓછી થતાં દલુની આબરૂમાં જરા સુધારો થવા પામ્યો હતો, અને એ કારણે કોઈ રડ્યાંખડ્યાં ઘરની કન્યાનાં માગાં પણ દલુ માટે આવવા લાગ્યાં હતાં. પરિસ્થિતિના આ પલટા પાછળ પણ આ નિર્વંશ કુટુંબનો વારસો જતે દહાડે ભાણેજ દલુને મળશે એ શક્યતા જ ભાગ ભજવી રહી હતી એ વાત અમરત જાણતી હતી. માત્ર એ શક્યતા સિદ્ધ થવામાં હજી થોડી વાર લાગશે એમ એ સમજતી હતી. એ સિદ્ધિ જો વહેલી પાર પડે તો દલુની પાછળ વાછડા–વાછડીનાં લીલ પરણાવવા ન પડે એમ અમરત ઇચ્છતી હતી. અને અમુક ઈચ્છા ઉદ્‌ભવ્યા પછી એને અમલી સ્વરૂપ આપવા માટે તરતોતરત કરવાઈઓ આદરવામાં તો અમરતે પૂછવું પડે કદી ?

એક દિવસ અમરતને દલુને અસૂરો ચતરભજને ઘેર મોકલીને તેને કહેવડાવ્યું કે તાકીદનું કામ હોવાથી હમણાં ને હમણાં આવી જાય.

ચતરભજને જરા નવાઈ લાગી કેમ કે અમરત તરફથી આવતાં આવાં અસૂરાં તેડાંને એ ટેવાયેલો નહોતો અસૂર–સવારે