પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
વ્યાજનો વારસ
 


જાઓ છો ? એવી તો દસ નંદુડીને હું ભૂ પાઈ દઉં એવો છું.’

‘તો પછી કાંઈ કરતો કેમ નથી ? તને દલિયાનીય દયા નથી આવતી ?’

‘કરાય એમ તો ઘણું ય છે; પણ ભાઈ બેઠા છે ત્યાં લગણ…’

‘એલા, પણ ભાઈની તો હવે સાઠી બુદ્ધિ નાઠી છે. એનું તો હવે બીજું બાળપણ ગણાય. તારી પાસે કોઈ કારહો નથી ?’

‘કારહા તો એક કરતાં એકવીસ છે; પણ ભાઈના ખોળિયામાં શ્વાસ છે ત્યાં લગણ એમાંનો એક્કેય કારહો કામ આવે એમ નથી.’

‘હવે ભાઈ તો જીવતે મૂઆ જેવા જ ગણાય ને ? ખાટલે પડ્યા ખોંખારો ખાવાનીય સોં નથી રહી. હમણાં હમણાં તો એટલા નખાઈ ગયા છે કે સામે ઊભેલ માણસનું મોઢું ઓળખવાનીય પૂરી શુધ નથી રહી. નંદુડીએ નભાઈએ કોણ જાણે કેવાંક કામણ કર્યાં છે !’

‘એ તમે ગમે તેમ કહો. એની નાડમાં હજી ધબકારા છે ત્યાં લગણ મારો એકેય નુસખો કામ નહિ આવે. જે દી એનું ખોળિયું ખાલી પડશે તે દીથી આખી પેઢીનો ધણીરણી આ ચતરભજ છે એમ સમજી લેજો. ને લખી રાખજો.’ ચતરભજના અવાજમાં ગર્વસૂચક રણકાર હતો.

‘એલા સાચું કહે છે ?’ અમરત ઉછળતી છાતીએ બોલી : ‘તું પણ જબરો છે હો ! આખી પેઢી હાથ કરી લે તો તો દલુનાં નસીબ ઊઘડી જાય હો !’

‘પણ એમ નસીબ ઊઘડવાં રેઢાં પડ્યાં છે ? આ બધુંય હથેળીનો ગોળ ન ગણાતા હો ! જીવનાં જોખમ ખેડવાં પડે એમ છે. પેઢીના એક પણ વાણોતરને શંકા જાય તો બાજી ઊંધી વળી જાય ને માથેથી ઢેઢ – ફજેતો થાય ઈ નફામાં.’

‘તું પણ જબરો છો હો ! અમરત હજી ચતરભજની પ્રશસ્તિમાંથી જ ઊંચી નહોતી આવતી.’

‘પણ મારું એકલાનું જબરાપણું કામ આવે એમ નથી ને !