પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
વ્યાજનો વારસ
 

 ‘એને તો હું રોટલા – લૂગડાની જીવાઈ હાથમાં પકડાવીને તગડી મેલું……’

‘ને સુલેખડી સળવળે તો ?’

‘હવે એ તો સાવ સાધુડી જેવી થઈ ગઈ છે. દી ને રાત હાથમાં રામસાગર લઈને ભજનિયાં લલકારવા આડે ઘર શું, દુનિયા લૂંટાઈ જાય તોય એને તમા નથી.’

‘પણ આવું કાળું કામ કરવા કરતાં દલુને ખોળે લેવાનું ભાઈને સમજાવીએ તો ?’ અમરતનું હૃદય ફરી પીગળી ગયું.

‘રામરામ ભજો ! નંદુડી બેઠી છે ત્યાં લગણ ઈ વાતમાં શું માલ છે ?’

‘ઈ નંદુડીએ જ નભાઈએ કામણ કર્યાં છે ને !’ અમરતે નિસાસો નાખ્યો.

‘એટલે તો કહું છું કે પોચાં થાવ માં, ને તોલા અફીણનું ખરચ કરી નાખો.’

‘ઠીક લે તંયે તારું કીધું કરીશ.’

‘જોજો, આ વાતની ગંધ્ય ક્યાંય જાય નહિ હો !’ ચતરભજે ઊઠતાં ઊઠતાં અમરતને સૂચના આપી.

‘આ અમરતને તેં હજી ઓળખી નથી ?!’ અમરતે અજબ છટાથી ગર્વભેર છણકો કર્યો.

એ છટાએ ચતરભજને અમરતની જુવાનીના દિવસોની યાદ તાજી કરાવી અને એ યાદની આહ્‌લાદકતા અનુભવતો એ પોતાના ઘર તરફ ઊપડ્યો.


*