પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
વ્યાજનો વારસ
 

 તો ઠીક ૫ણ મુદ્દલની વસૂલાતમાંય પારાવાર મુશ્કેલીઓ ઊભી થવા માંડી હતી. સામટી ધીરધારમાંથી દર વર્ષે દસ–વીસ હજારની રકમની તો, વસૂલ ન થઈ શકવાને કારણે માંડવાળ કરી નાખવી પડતી. પણ પેઢીની વ્યાજની આવક એટલી હોબ્બેસ હતી કે આવી મામૂલી રકમની માંડવાળ એને જરાય જણાય એમ નહોતી. દીર્ઘદ્રષ્ટા ચતરભજે વાર્ષિક માંડવાળની રકમ અડસટ્ટીને જ વ્યાજના દર નક્કી કર્યા હતા. છતાં આજે જ્યારે બધું કામકાજ સંકેલવાનું ટાણું આવ્યું ત્યારે આભાશાને લાગ્યું કે આટલો બધો પથારો પાથર્યો ન હોત તો સારું હતું.

આ બધી ચિંતાઓથીય મોટી અને હૃદયને કોરી ખાનારી ચિંતા તો નજર સામે બેઠેલી બાળવિધવા સુલેખાની હતી. જોકે સુલેખાએ તો ઉચ્ચ સંસ્કારની સહાય વડે પોતાના વૈધવ્યજીવનને પણ ઉજાળ્યું હતું અને એક આદર્શ વિધવા તરીકે જીવી રહી હતી, છતાં એના ભવિષ્ય અંગે આભાશા અહર્નિશ ફિકર કર્યા કરતા હતાં. વિશેષ તો નંદનના આગમન પછી કુટુંબનું વાતાવરણ જે ઢંગે વણસી બેઠું હતું તે ઢંગ જોતાં ભવિષ્યમાં સુલેખા આ જૂનીનવી સાસુઓનાં બે પડ વચ્ચે પિસાઈ જાય એ આભાશાને ડર હતો.

દિવસે દિવસે સુલેખાને આ સંસાર પ્રત્યે એક જાતની વિરક્તિ ઊપજતી જતી હતી. આભાશાની આલીશાન ઇમારત છાંડીને એણે લાખિયારવાળી મઢૂલીમાં તો ઘણા સમયથી વાસ કર્યો હતો. પણ હમણાં હમણાં તો જીવનની જરૂરિયાતો પણ એણે ઘટાડવા માંડી હતી. રિખવના મૃત્યુ પછી રેશમી અને જરિયન પટકૂળ તેમ જ જરઝવેરાતો પહેરવાનું તો લૌકિક આચારે મર્યાદિત બનાવી મૂક્યું હતું, છતાં લોકરિવાજની મર્યાદામાં રહીને જે કાંઈ પહેરી શકાતું એ બધું પણ ભારે મોટી કિંમતનું હતું. હીરામોતીના અકેક દાગીનાની કિંમત હજારોને હિસાબે જ આંકી શકાય. પણ સુલેખાને જેમ જેમ વિરક્તિ થતી ગઈ તેમ તેમ તેણે એવાં આભૂષણોનો