આડે એવાં ક્ષુલ્લક પ્રલોભનોને કૃપા કરીને ન નાખશો. જીવનને જીતી જવાનું હવે લગભગ હાથવેંતમાં છે, ત્યારે મને કાંઠે આવી પહોંચેલીને ડુબાડશો મા.’
‘બેટા, પણ તારા આ હઠાગ્રહથી કુટુંબની લાખોની મિલકત ફનાફાતિયા થઈ જશે એનો તને કાંઈ ખ્યાલ છે ?’
‘ના બાપુજી ! મને કાંઈ ખ્યાલ નથી. શી વાત છે ?’ સુલેખાએ ભોળેભાવે જ પૂછ્યું.
‘કુટુંબના દુશ્મન વરુની જેમ ટાંપીને બેઠા છે. કુટુંબનાં જ માણસોની દાનત બગડી છે…’
‘ખરેખર ?’
‘હા, ચતરભજ અને અમરતે મળીને ત્રાગડો રચ્યો છે….’
‘શાનો ?’
‘બહુ ખરાબ ત્રાગડો ગોઠવ્યો છે. પણ જિન પ્રભુની ઇચ્છાથી એ કાવતરું નિષ્ફળ જ જશે.’
‘પણ શાનું કાવતરું છે એ તો કહો બાપુજી ?’
‘એ જાણવાની હવે જરૂર નથી રહી. તારી સંમિત મળ્યા પછી જે વીલ થશે એમાં એ કાવતરાખોરોના હાથ હેઠા પડશે.’
‘પણ કાવતરું શાનું છે એ તમે કહેતા નથી ! મને મારી નાખવાના છે એટલું જ ને ?’ સુલેખાએ હસતાં હસતાં પૂછ્યું.
‘તું તો સો વરસની થા દીકરા ! તેં ક્યાં કોઈનું કાંઈ બગાડ્યું છે તે, તારી સામે કાવતરું થાય ? તેં તો બધેય આંબા વાવ્યા છે, બાવળ એકેય નથી વાવ્યો.’
‘તો પછી કોને મારી નાખવાનું કાવતરું ગોઠવાયું છે…?’
‘આભાશાને.’ લશ્કરી શેઠે ઠંડે અવાજે કહ્યું.
સુલેખાને જાણે કે વજ્રઘાત લાગ્યો. બોલી : ‘શું વાત કરો છો