પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૩]


લોઢાનાં કાળજાં

તરભજ અધ્ધર શ્વાસે ધમલાની રાહ જોતો ઉભો હતો. વીસપુરથી લશ્કરી શેઠનું ઓચિતું આગમન થયું ત્યારે જ એને કશીક ગંધ આવી ગઈ હતી. તરત એણે ઓધિયાને લશ્કરી શેઠની જાસૂસી સોંપી દીધેલી અને હવે પછીના બનાવની આતુરતાથી રાહ જોવા માંડી હતી.

ઓધિયાને ચતરભજે લાખિયારના ઘરને પાછલે બારણે મોકલ્યો હતો, જેથી સુલેખા અને લશ્કરી શેઠ વચ્ચે થતી વાતચીત એ અક્ષરશઃ સાંભળી શકે.

ઓધિયાને આવતાં મોડું થતું ગયું તેમ તેમ ચતરભજની ચિંતા વધતી ચાલી. આભાશા વસિયતનામું કરવા માગે છે એવી ગંધ તો એના નાકમાં આવી જ ગઈ હતી, પણ એ કામ આટલી ઝડપે હાથ લેવામાં આવશે એમ એણે નહોતું ધાર્યું; પણ જ્યારે લશ્કરી શેઠ સુલેખા પાસે ગયા ત્યારે એ બનાવ પિતા–પુત્રીના સામાન્ય મિલન કરતાં કાંઈક વધારે રહસ્યમય લાગ્યો. અત્યારે એને અમરત ઉપર પણ ચીડ ચડી. એને આટલા દિવસો થયા તોલા એક અફીણનું ખરચ કરવાનું કહી રાખ્યું છે છતાં એનો અમલ નથી થયો ! થઈ ગયું હોત તો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોત અને વસિયતનામાનો ડખો પણ ઊભો થયો નહોત. નવી અને જૂનીને જીવાઈ પૂરતું પકડાવીને તગડી મેલી હોત અને પેઢીમાં આભાશાની ગાદી ઉપર દલુ અને ઓધિયો બિરાજી ગયા હોત… અને અમરત ?!…