પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
વ્યાજનો વારસ
 

 ચતરભજ આ ઉંમરે પણ અમરતને યાદ કરતાં એક જાતનો રોમાંચ અનુભવી રહ્યો.… અમરત આ ઘરની શેઠાણી બની બેઠી હોત. ભાઈના આપ્યા ટાઢા ટુકડા ખાવાને બદલે જરજમીનની ધણિયાણી બનીને… પણ એ અભાગણીના નસીબમાં જ સુખ નથી લખ્યું. નહિતર સાવ આમ તે હોય ! માણસ પોતાનું હિત પણ ન સમજે ? ઘૂંટડા અફીણનો ગળેડો કરી દેવો એમાં વળી જોષીને પૂછવા જવાનું હોય ?

આવી રીતે ચતરભજ રોષભર્યો ઊભો ઊભો અમરત ઉપર દાઝ ઠાલવતો હતો ત્યાં જ ઓધિયો આવી પહોંચ્યો અને લશ્કરી શેઠ અને સુલેખા વચ્ચે થયેલી વાતચીતનો સાર કહી સંભળાવ્યો.

‘એલા, પણ એને ક્યાંથી ખબર પડી કે અમરતે અફીણ ઘોળી રાખ્યું છે ?’ ચતરભજની આંખે અંધારાં આવી ગયાં.

‘હું એમાં શું જાણું ? આ તો વાત થાતી’તી એટલે મેં તમને કીધું.’ ઓધિયાએ જવાબ આપ્યો.

ચતરભજનો જીવ તાળવે ચોંટ્યો. બધી જ બાજી ઊંધી વળી જતી લાગી ફરી એ અમરત ઉપર રોષે ભરાયો. એણે પોતાની ફરજ બજાવવામાં મોડું કર્યું એમાં જ આ કૌભાંડ રચાયું ને ! મોડું કર્યું ત્યારે જ વાત બહાર પડી ગઈ, અને આભાશા બધું સુલેખાના નામ ઉપર ચડાવવા તૈયાર થયા ને ! પણ ના, ના, હજી કાંઈ મગચોખા ભેગા નથી થઈ ગયા. વીલ થતાં પહેલાં જ આભાશાનો ઘડોલાડવો કરાવી નાખું તો સહુ હાથ ખંખેરતા રહી જશે અને લશ્કરી શેઠ પણ ધોયેલ મૂળા જેવા પાછા જશે.

પણ અમરત વિના તો એ કોણ કરી શકે ?

અમરતનું નામ યાદ આવતાં ફરી ચતરભજ મનમાં મલકાઈ ઊઠ્યો; પણ અત્યારે મલકાટને અનુકૂળ સમય નથી એમ સમજી તરત એ અમરતને ઠપકો આપવા જવા ઊપડ્યો.

અમરત એકલી બેઠી બેઠી દલુના ભવિષ્ય અંગે વિચાર કરી રહી હતી.