પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોઢાનાં કાળજાં
૧૮૩
 


ઓધિયા જેવા ઊખડેલ છોકરાની સંગતમાં દલુનો પણ લોકોએ કાંકરો કાઢી નાખ્યો એ બદલ અમરત વિમાસણ અનુભવી રહી હતી. આજે રિખવ જીવતો હોત તો જરૂર આ ફઈના દીકરાને વરાવી પરણાવીને પાંચ પૈસાનો ધણી બનાવ્યો હોત. બાકી મામાને તો આ ભાણેજનું જરાય પેટમાં બળે એમ નથી. નવીજૂનીના બેવડા કામણકૂટણમાં ભાઈ તો ગળા સુધી ડૂબી ગયા છે. એમાં બહેનનો કે ભાણેજનો તે વિચારેય ક્યાંથી આવે ? બહેને ભાઈ ઉપર કેટકેટલા ઉપકાર કર્યા છે એ આજે ભાઈને ક્યાંથી યાદ આવે ? એ નૂગરી માનવંતી પણ ભૂલી ગઈ કે આ નણંદ ના હોત તો રિખવ પણ ન હોત !… જાતી જિંદગીએ દીકરાની મા થઈ એ કોને પ્રતાપે ?… અને ચતરભજ…!…

ચતરભજ યાદ આવતાં અમરત ધ્રૂજી ઊઠી. જ્યારે જ્યારે એ યાદ આવતો ત્યારે ત્યારે અમરતના હૃદયમાં કોઈક ભૂતકાલીન ગુનાનો ડંખ ફરી જાગ્રત થતો. એવે સમયે એ એટલી તો ગભરાઈ ઊઠતી કે કોઈ કોઈ વાર એ ડંખની વેદના ન જીરવાતા રડી પણ પડતી.

અત્યારે પણ એની છાતીમાં ડૂમો ભરાયો હતો પણ ત્યાં તો સામેથી ખુદ ચતરભજને જ આવતો જોતાં હૃદય આનંદથી નાચી ઊઠ્યું.

પણ એ આનંદને ચતરભજે આવતાવેંત ઉડાડી મૂક્યો.

અમરતને મલકાતી જોઈને ચતુરભજે એને ઊધડી જ લીધી :

‘અટાણે તો પોક મૂકીને રોવાનું ટાણું છે એને બદલે તમે મલાવ્યા કરો છો તે શરમાતાં નથી ?’

‘પણ વાત શી છે ? કાંઈ ખબર પડે ?’ અમરતે પૂછ્યું .

‘દુનિયા લૂંટાઈ જાશે તો તમને તો કાંઈ ખબર જ નહિ પડે—’

‘પણ કોઈ લૂંટાઈ ગયું, ને કોણે લૂંટ્યાં… કાંઈ સમજ પડે ?’

‘એ… લૂંટાઈ ગયા તમે ને હું; ને ત્રીજો તમારો દલિયો…’

‘દલિયો મારો એકલીનો જ, ને તારે કાંઈ લેવાદેવા નહિ એમ કે ?’ ફરી અમરતે ચતરભજના વાક્યની ભૂલ સુધારી.